Western Times News

Gujarati News

અમદાવાદમાં તા. ૧૭ ફેબ્રુઆરી સુધી રીવરફ્રન્ટ ખાતે નાગરિકો વસંતોત્સવ હસ્તકલા પર્વનું આયોજન

File

૨૫૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ  : મેળાનો સમય : બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક

ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અમદાવાદ ખાતે ‘વસંતોત્સવ હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ વસંતોત્સવ હસ્તકલા પર્વનો આગામી તા.૧૭ ફેબ્રઆરી-૨૦૨૦ સુધી સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભ સદન પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે બપોરના ૧.૦૦ કલાક થી રાત્રીના ૯.૦૦ કલાક સુધી નાગરિકો લાભ લઇ શકશે.

રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગ અંતર્ગત ઇન્ડેક્ષ્ટ-સી કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાનું પ્રદર્શન અને નિર્દેશન કરવાના હેતુથી આ વસંતોત્સવનું આયોજન કરાયું છે.

આ મેળામાં હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૨૫૦ થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે. ઈન્ડેક્ષ્ટ-સી, ગાંધીનગર સાથે જોડાયેલ વ્યક્તિગત કારીગરો/હસ્તકલા હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છિક સંસ્થાઓ/સ્વસહાય જુથો/NGO/સખી મંડળો/કલસ્ટર્સનાં કારીગરોને સીધુ બજાર પુરૂ પાડવા અને તે થકી રોજગારી પુરી પાડવાનું આયોજન છે.

જેમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ-હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઈમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઈટમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે, ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે સાથે બીજુ ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળીને ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે. આ મેળામાં રાજયના જુદા જુદા જિલ્લાનાં કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવનાર છે.

શહેરીજનો/મુલાકાતીઓના આકર્ષણ માટે રોજેરોજ કચ્છી ઘોડી, પપેટ શૉ, મેજીક શૉ, રાવણ હથ્થો, બહુરૂપી કલાકારોના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમજ હાથશાળ-હસ્તકલાની જુદી જુદી ક્રાફટની ડોક્યુમેન્ટ્રી બતાવવાનું પણ આયોજન કરાયું છે. જેનો નાગરિકોને બહુધા પ્રમાણમાં લાભ લેવા પણ અનુરોધ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.