Western Times News

Gujarati News

પોર્ટર્સ એપ આધારિત કુરિયર દ્વારા કરાતી હતી કાચબાની ડિલીવરી

અમદાવાદમાંથી ઝડપાયું કાચબાની તસ્કરીનું  આંતરરાજ્ય રેકેટ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ‘ઇન્ડિયન સ્ટાર ટાર્ટાઇઝ’ના ગેરકાયદે વેપાર કરતા એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આ કાર્યવાહીમાં ગુજરાત અને રાજસ્થાનના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ૧૦ જીવતા કાચબાને બચાવી લેવાયા છે. ઇન્ડિયન સ્ટાર ટાર્ટાઇઝ એ વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ની અનુસૂચિ હેઠળ અત્યંત સુરક્ષિત પ્રજાતિ છે, જેનો વેપાર કરવો ગંભીર ગુનો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, SOGને ચોક્કસ બાતમી મળી હતી કે ઇન્સ્ટાગ્રામ પર Ahmedabad dog lovers એકાઉન્ટ દ્વારા આ પ્રતિબંધિત કાચબાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે, અમદાવાદ ગ્રામ્ય એસ.પી અને ડેપ્યુટી કન્ઝર્વેટર આૅફ ફોરેસ્ટની દેખરેખ હેઠળ એક સંકલિત ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. પોલીસ અને વન વિભાગની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે દરોડા પાડ્‌યા હતા અને ચારેય આરોપીઓને પકડી પાડ્‌યા હતા.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખરીદદારો સુધી પહોંચવા માટે કરતી હતી અને આધારિત ડિજિટલ વ્યવહારો દ્વારા નાણા સ્વીકારતા હતા. આ ગેંગે અત્યાર સુધીમાં રાજસ્થાન અને ગુજરાતમાં ૫૦થી વધુ કાચબાઓનો વેપાર કર્યો હોવાનો અંદાજ છે.

આરોપી મુકેશ દિલીપભાઈ સોની રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. જે મુખ્ય સંચાલક છે અને તે જ ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતો અને ઓનલાઇન આૅર્ડર લેતો હતો. જ્યારે રાજસ્થાનના અજમેરનો શુભમ સુનિલ નોટવાણી વચેટિયા તરીકે કામ કરતો હતો અને આૅર્ડર ફોરવર્ડ કરતો હતો.

રાજસ્થાનના પાલીનો યશવંતસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ નામનો આરોપી અમદાવાદમાં સપ્લાયર્સ સાથે સંકલન કરતો હતો અને અમદાવાદના બહેરામપુરાનો સંકેત મહેશભાઈ સોનવાણે સ્થાનિક પોર્ટર્સ/એપ આધારિત કુરિયર દ્વારા ડિલિવરી સંભાળતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.