મધ્યમવર્ગીય પરિવારે રૂ.૯ લાખના દાગીના ભરેલું પર્સ મૂળ માલિકને શોધી પરત કર્યું
પ્રતિકાત્મક
મેટ્રોમાં ફરજ બજાવતા પતિ-પત્નીએ પીઆઈની હાજરીમાં ખરાઈ કરી મહિલાને પર્સ પરત કર્યું
ગાંધીનગર, પરિચિત મિત્રો કે પરિવારજનો દ્વારા જ છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સા અવાર-નવાર બહાર આવતા હોય છે ત્યારે ગાંધીનગરમાં એક મધ્યમવર્ગીય પરિવારની ઈમાનદારીએ રણમાં મીઠી વીરડી જેવું કામ કર્યું છે.
મહિલાને સાંજના સુમારે રસ્તામાંથી એક પર્સ મળ્યું હતું. આ પર્સમાં રૂ.૮-૯ લાખના દાગીના હતા. દાગીના જોયા પછી પણ મહિલાનું મન લલચાયું નહીં અને તેમણે પોતાના પતિને આ અંગે વાત કરી. આખરે પતિ-પત્નીએ ભેગા થઈને પર્સના મૂળ માલિકને શોધી કાઢયા અને હસતા મુખે તેમને પર્સ પરત કર્યું.
સેકટર-૪ બી ખાતે રહેતા મીનાબેન પ્રેમજીભાઈ મકવાણા સાંજે સાતના અરસામાં બહાર નીકળ્યા ત્યારે સેકટર-૪ ના શનિ મંદિર નજીક રસ્તામાં એક પર્સ પડેલું જોવા મળ્યું હતું. આ પર્સ નવું દેખાતું હોવાથી કોઈનું પડી ગયુ હશે તેવું વિચારી મીનાબેને ઉપાડી લીધું.
પર્સમાં નજર કરી તો તેમાં દાગીના હોવાનું જાણવા મળ્યું હતું. મીનાબેન તરત ઘરે પરત આવ્યા અને તેમણે આ અંગે પતિ પ્રેમજીભાઈને વાત કરી. પ્રેમજીભાઈ મેટ્રોમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. આ મધ્યમવર્ગીય પરિવારે પર્સની ચકાસણી કરી તો અંદર સોના-ચાંદીના દાગીના ઉપરાંત આઈ કાર્ડ મળી આવ્યું હતું,
જેના પર ફોન નંબર પણ હતો. આ ફોન નંબર પર વાત કરતા સરગાસણ ખાતે રહેતા અને તાલુકા લાઈવલીહુડ મેનેજર તરીકે ફરજ બજાવતા નેહાબેન મોદી સાથે વાત થઈ હતી. નેહાબેને કહ્યું હતું કે, તેઓ ઉદ્યોગભવન ખાતે આવેલી પોતાની ઓફિસથી સરગાસણ ખાતે ઘર તરફ જઈ રહ્યા હતા.
ખ- રોડ બંધ હોવાના કારણે સેકટર-૪માં થઈને તેઓ પોતાના ઘર તરફ આગળ વધતા હતા. રસ્તામાં ક્યાંક પર્સ પડી ગયું હતું તેથી નેહાબેન અને તેમના પતિએ તરત જ પર્સ લેવા આવવાની વાત કરી હતી. લાખો રૂપિયાના દાગીના ભરેલું પર્સ ગેરવલ્લે ન જાય તે હેતુથી પ્રેમજીભાઈએ પડોશમાં રહેતા પોલીસ ઈન્સ્પેકટર રાહુલભાઈ પટેલ સાથે વાત કરી.
ડીજીપી ઓફિસમાં ફરજ બજાવતા રાહુલભાઈ પણ સારા કામમાં સહકાર માટે તૈયાર થઈ ગયા. ખોવાયેલું પર્સ નેહાબેનનું જ છે તે બાબતની ખરાઈ કરવાની સાથે નેહાબેન અને તેમના પતિ નીશિત મોઢ સાથે પણ તેમણે વાત કરી. દરમિયાન મેટ્રો કંપનીના પીઆઈ બી.બી.શુકલા સાથે પણ પ્રેમજીભાઈએ વાત કરી. નેહાબેન અને નીશિતભાઈ સાથે વાતચીત બાદ આ પર્સ તેમનું જ હોવાની ખાતરી થઈ હતી.
