Western Times News

Gujarati News

ઝાડ કાપવાના બહાને ઘરોની રેકી કરી ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા

નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ -પોલીસની સર્વેલન્સ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 

અમદાવાદ, અમદાવાદમાં દિવસેને દિવસે વધી રહેલા ચોરીના બનાવો વચ્ચે અમદાવાદ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ઝોન-૧ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને નવરંગપુરા પોલીસની સર્વેલન્સ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝાડ કાપવાના બહાને ઘરોની રેકી કરી ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને દબોચી લીધા છે.

પકડાયેલા આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આ ગેંગે નવરંગપુરાના એક બંગલામાંથી રૂ.૧૧ લાખથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ૨૪ ઓક્ટોબરના રોજ નવરંગપુરા વિસ્તારમાં આવેલી કમલા સોસાયટી ખાતે બની હતી. ફરિયાદીના બંગલામાં સવારે ૧૦ થી સાંજના ૪.૩૦ વાગ્યાની વચ્ચે જ્યારે પરિવાર બહાર હતો, ત્યારે આરોપીઓએ છતનો લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ન્ઝ્રમ્ અને નવરંગપુરા પોલીસે અલગ-અલગ ટીમો તપાસ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ ટીમોએ ઘટનાસ્થળની આસપાસના લગભગ ૨૦૦ જેટલા CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. આ ફૂટેજમાં ઘટનાના સમય દરમિયાન બંગલાની નજીક કેટલાક શંકાસ્પદ ચહેરાઓ કેમેરામાં કેદ થયા હતા.

ટેકનિકલ લીડ્‌સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી, પોલીસે આરોપીઓને પીરાણા ક્રોસરોડ પાસેના ગણેશનગર વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.પકડાયેલા આરોપીઓની ઓળખ પરેશ ઉર્ફે ગગુ સુરેશભાઈ દંતાણી (૨૧ વર્ષ) અને શૈલેષ ઉર્ફે કિશન કનુભાઈ રાવત (૨૮ વર્ષ), બંને ગણેશનગરના રહેવાસી, તરીકે થઈ છે, જ્યારે ત્રીજો સભ્ય કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર છે.

પોલીસે તેમની પાસેથી રૂ.૯.૫૭ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂ.૧.૧૮ લાખ રોકડા અને રૂ.૨૫,૦૦૦ ની કિંમતની ઓટોરિક્ષા સહિત કુલ રૂ.૧૧.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે પરેશ અને શૈલેષ બંને રીઢા ગુનેગાર છે. પરેશ સામે અગાઉ વટવા પોલીસ સ્ટેશનમાં, જ્યારે શૈલેષ સામે ૨૦૧૮ માં નારોલ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ ગેંગ ઝાડ કાપનાર તરીકે ઓળખ આપીને સોસાયટીઓમાં ફરતી હતી. તેઓ બંધ મકાનોની રેકી કરતા અને ખાતરી કરતા કે ઘરમાં કોઈ હાજર નથી. ત્યારબાદ દિવસના સમયે જ તેઓ ઓજારો વડે છત કે દરવાજા તોડી ઘરમાં પ્રવેશતા અને ચોરીને અંજામ આપતા.’ પોલીસ હાલ આ ગેંગ શહેરની અન્ય વણઉકેલાયેલી ચોરીઓમાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.