Western Times News

Gujarati News

પાક. સુપ્રીમ કોર્ટના બે જજોનું રાજીનામું

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડતા વિવાદાસ્પદ ૨૭મા બંધારણીય સુધારાને પગલે મોટો રાજકીય અને બંધારણીય સંકટ ઊભો થયો છે.

રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ સુધારાને મંજૂરી આપ્યાના ગણતરીના કલાકોમાં જ સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશો, ન્યાયાધીશ મન્સૂર અલી શાહ અને ન્યાયાધીશ અતહર મિનલ્લાહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલો આ ૨૭મો બંધારણીય સુધારો, પાકિસ્તાનમાં એક ફેડરલ બંધારણીય અદાલતની સ્થાપના કરશે, જે ફક્ત બંધારણીય બાબતોની સુનાવણી કરશે.

જ્યારે હાલની સુપ્રીમ કોર્ટ માત્ર નાગરિક અને ફોજદારી બાબતો સુધી મર્યાદિત રહેશે. ન્યાયાધીશ મન્સૂર અલી શાહે તેમના રાજીનામા પત્રમાં આ સુધારાને પાકિસ્તાનના બંધારણ પર ગંભીર હુમલો ગણાવ્યો છે.

તેણે રાજીનામા પત્રમાં લખ્યું, ‘સુપ્રીમ કોર્ટની સત્તાઓને નાબૂદ કરે છે, ન્યાયતંત્રને કારોબારી હેઠળ લાવે છે અને બંધારણીય લોકશાહીના મૂળ પર પ્રહાર કરે છે.’ન્યાયાધીશ અતહર મિનલ્લાહે તેમના રાજીનામા પત્રમાં ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યાે છે.

તેણે રાજીનામા પત્રમાં લખ્યું, ‘મેં જે બંધારણનું રક્ષણ કરવાની શપથ લીધા હતા તે હવે અસ્તિત્વમાં નથી. ૨૭મો સુધારોનો પાયો બંધારણની કબર પર છે. મારા માટે નવી વ્યવસ્થામાં ન્યાયાધીશનો પોશાક પહેરવો હવે વિશ્વાસઘાતનું પ્રતીક બની ગયું છે.

તેથી, હું આ પદ પર ચાલુ રહી શકતો નથી.’ તેણે મુખ્ય ન્યાયાધીશની મૌન અને નિષ્ક્રિયતા વચ્ચે તેમનો ડર સાચો પડ્યો હોવાનું જણાવ્યું હતું.નિષ્ણાતો આ સુધારાને ન્યાયતંત્રની સ્વતંત્રતા પરનો સૌથી મોટો હુમલો ગણાવી રહ્યા છે.

આ સુધારા હેઠળ જે મુખ્ય ફેરફારો થશે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સલાહ પર આર્મી ચીફ અને ડિફેન્સ ફોર્સના વડાની નિમણૂક થશે. ફિલ્ડ માર્શલ, માર્શલ ઓફ ધ એરફોર્સ અને એડમિરલ ઓફ ધ ફ્લીટ જેવા પદો હવે આજીવન રહેશે.

જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેનનું પદ ૨૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સમાપ્ત થશે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ સુધારો ભવિષ્યમાં પાકિસ્તાનને ગંભીર બંધારણીય પરિણામોનો સામનો કરવો પડી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.