Western Times News

Gujarati News

પીએમ કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં!

નવી દિલ્હી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને હજુ ૨૬મો હપ્તો ચૂકવાયો નથી જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયાં છે. જોકે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજનામાં ખેડૂતો ખોટા લાભાર્થી બની બેઠાં હોવાનુ માલુમ પડયુ છે જેના કારણે કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છેકે, જ્યાં સુધી અરજીની પૂર્તતા નહી ચકાસવામાં આવે ત્યાં સુધી હપ્તો ચૂકવાશે નહી.

ઉલ્લેખનીય છેકે, કેન્દ્ર સરકારે અત્યાર સુધી ૩૫.૪૪ લાખ ખોટા લાભાર્થી ખેડૂતોના નામ કમી કર્યાં છે. આ જોતાં ગુજરાત સરકારે પણ ખોટા લાભાર્થીઓ પર નજર રાખી છે.કેન્દ્ર સરકારના ધ્યાને આવ્યું છે કે, ઘણાં ખેડૂતોએ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધીમાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે અને હપ્તો મેળવે છે.

એવી ગેરરીતી જોવા મળી છેકે, પતિ, પત્નિ સહિત પરિવારના બધાય સભ્યો લાભાર્થી બની બેઠાં છે જેઓ નિયમ વિરુધ્ધ રૂ.૨૦૦૦નો હપ્તો મેળવી રહ્યાં છે. ટૂંકમાં, લાયકાત વિના ખેડૂતો ખોટા લાભાર્થી બન્યાં છે.

આ કારણોસર કેન્દ્ર સરકારના આદેશને પગલે ખેડૂતોની અરજીઓની પૂર્તતા ચકાસવામાં આવી રહી છે. અરજી ચકાસણી પછી જ અરજદારને હપ્તો ચૂકવવા આદેશ કરાયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૯.૬૨ લાખ ખેડૂત લાભાર્થીઓને પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનામાં લાભ અપાયો હતો.

જયારે વર્ષ ૨૦૨૩-૨૪માં ૪૮.૪૯ લાખ ખેડૂતોને હપ્તો ચૂકવાયો હતો. આ બે વર્ષની સરખામણી કરતાં ખેડૂત લાભાર્થીઓની સંખ્યામાં ૧૧.૧૩ લાખનો તફાવત જોવા મળ્યો હતો. એવી વિગતો પણ જાણવા મળી છેકે, ૬૩.૧૩ લાખ લાભાર્થીઓને પ્રથમ હપ્તો ચૂકવાયો હતો જ્યારે ૨૮૨ લાખ લાભાર્થીઓને ૧૧મા હપ્તાની ચૂકવણી કરાઈ હતી. આ જોતાં ૫૫ ટકા લાભાર્થીઓ ઓછા થયાં હતાં.

આનો સીધો અર્થ એ છે કે, ખોટા લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. સરકારના રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૪માં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનામાંથી ૨,૬૨,૦૫૦ ખોટા લાભાર્થી હોવાથી તેમના નામ કમી કરાયાં હતાં. હવે જ્યારે કેન્દ્ર સરકારે આદેશ કર્યાે છે જેના પગલે ગુજરાત જ નહીં, રાષ્ટ્રવ્યાપી અરજી ચકાસણી શરૂ કરાઈ છે.

હવે આ વખતે ગુજરાતમાંથી કેટલાં ખોટા લાભાર્થીઓ મળી આવે તે જોવુ રહ્યું. કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકારે રૂ.૧૦ હજાર કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યુ હતુ. શુક્રવારથી ખેડૂતો અરજી કરી સહાય મેળવી શકશે.

રાજ્યના ૧૯,૫૦૦ ગામોની ખેતીને નુકસાન પહોચ્યુ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને સહાય મળવાપાત્ર છે. ખેડૂતોએ રાજ્ય સરકારના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. ખેડૂતાને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મદદરુપ થશે. ખેડૂતોને ૨ હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.