માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત
શ્રીનગર, સમગ્ર કાશ્મીરમાં તાપમાન સતત ઘટી રહ્યું હોવાની વચ્ચે મોટા ભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન શૂન્ય કે તેથી નીચે પહોંચી ગયું છે. શ્રીનગરમાં માઇનસ ૨.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે સિઝનની સૌથી ઠંડી રાત્રિ જોવા મળી હતી તેમ હવામાન વિભાગના અધિકારીઓએ ઐેક નિવેદનમાં જણાવ્યું હતું.શ્રીનગરમાં બુધવારે લઘુતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછું રહ્યું હતું.
હવામાન વિભાગના અધિકારીઓનાં જણાવ્યા અનુસાર દક્ષિણ કાશ્મીરનાં કોકેરનાગમાં લઘુતમ તાપમાન ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તેના સિવાય કાશ્મીર ખીણનાં અન્ય તમામ હવામાન કેન્દ્રોમાં રાતનું તાપમાન શૂન્યથી ઓછું નોંધવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે પર્યટન સ્થળ પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ ૩.૮ ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગ રિસોર્ટમાં માઇનસ ૦.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાતનાં સમયે તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે.હિમાચલ પ્રદેશના પર્વતીય અને ખીણ પ્રદેશોમાં પણ ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. લાહોલનાં તાબોમાં રાતના સમયે માઇનસ ૭.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
શિમલા અને ધર્મશાળામાં અનુક્રમે ૮.૨ અને ૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.ઓડિશાનાં પણ અનેક વિસ્તારોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. કંધમાલ જિલ્લાનાં દરીંગબાદી વિસ્તાર ૭.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો.
બીજી તરફ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં નોંધવામાં આવ્યું હતું. બપોરે ચાર વાગ્યે ૨૪ કલાકનો સરેરાશ એર ક્વાલિટી ઇન્ડેક્સ ૪૦૪ નોંધાયો હતો.SS1MS
