લોકોને એમ છે કે અંગ્રેજી ના આવડે તે કૅપ્ટન બનવાને લાયક નથીઃ અક્ષર પટેલ
મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને IPLમાં દિલ્હી કેપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે કૅપ્ટનશીપ અંગેની પ્રવર્તમાન માન્યતાઓ પર સવાલ ઉઠાવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મેચ પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અક્ષર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, ‘અંગ્રેજી બોલવાની કુશળતા અને વ્યક્તિત્વ એ કૅપ્ટનશીપ માટેના એકમાત્ર માપદંડ હોવા જોઈએ નહીં.’
અક્ષર પટેલે કૅપ્ટનશીપ પ્રત્યેની સામાન્ય ધારણા પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘લોકો ક્રિકેટ કૌશલ્ય કરતાં ખેલાડીના વ્યક્તિત્વ અને અંગ્રેજી બોલવાની ક્ષમતાને વધુ પ્રાધાન્ય આપે છે. અરે, કૅપ્ટનનું કામ ફક્ત અંગ્રેજીમાં બોલવાનું નથી. કૅપ્ટનનું કામ ખેલાડીને જાણવાનું અને તેમાંથી બેસ્ટ કેવી રીતે મેળવવું તે જાણવાનું છે. કૅપ્ટને ખેલાડીની શક્તિ અને નબળાઈઓને સમજવાની જરૂર છે.
પરંતુ નહીં, આપણે કહીએ છીએ કે પર્સનાલિટીની જરૂર છે, સારું અંગ્રેજી બોલતા આવડવું જોઈએ. આ ધારણાઓ લોકોના પોતાના વિચારો પર આધારિત છે.’
ઓલરાઉન્ડર અક્ષર પટેલે કહ્યું કે, ‘આ વર્ષે મેં દિલ્હી કેપિટલ્સનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું અને ઘણી પ્રશંસા મેળવી. મને લાગે છે કે આ પ્રકારના ફેરફારો ભવિષ્યમાં વધુ જોવા મળશે.લોકોના વ્યક્તિગત વિચાર અને દૃષ્ટિકોણ બદલવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે, ‘લોકોએ પોતાના વ્યક્તિગત વિચાર અને દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.
એવું વિચારવાનું બંધ કરો કે ફક્ત એટલા માટે કે કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ સારું છે અને તે અંગ્રેજી બોલી શકે છે, તેથી તે કૅપ્ટન બનવા માટે સક્ષમ છે. કૅપ્ટનશીપ વિશે એક વાત મહત્ત્વપૂર્ણ હોવી જોઈએ કે ભાષાનો કોઈ અવરોધ ન હોવો જોઈએ.’
અક્ષર પટેલનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ક્રિકેટમાં કૅપ્ટનશીપ માટે માત્ર મેદાન પરનું પ્રદર્શન અને ટીમનું સંચાલન જ માપદંડ હોવા જોઈએ, નહિ કે ભાષાકીય કૌશલ્ય.SS1MS
