સાગર સૈનિક સ્કૂલ રાષ્ટ્રહિત સર્વોપરી ધ્યેય સાથે ભાવિ પેઢીના નિર્માણનું માધ્યમ બનશે
શ્વેત ક્રાંતિ થી રાષ્ટ્ર ક્રાંતિ તરફ પ્રયાણ – કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે સૈનિક સ્કૂલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાષ્ટ્રીય ભાવના સાહસ શિસ્ત અને માં ભારતી માટે સમર્પિત શ્રી મોતીભાઈ આર ચૌધરી સૈનિક સ્કૂલનું લોકાર્પણ
દૈનિક 30 મેટ્રિક ટન પ્રોસેસિંગ તેમજ પેકેજીંગની ક્ષમતા ધરાવતા ખેરાલુ સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઈ લોકાર્પણ કરાયું
મહેસાણા જિલ્લાના બોરીયાવી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી મોતીભાઈ આર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલ અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે, દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને ઊંડી સંવેદના પાઠવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કૃત્ય કરવામાં સંડોવાયેલાને કડકમાં કડક સજા થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની આતંકવાદી વિરોધી લડાઈ પૂરી દુનિયાએ સ્વીકારી છે અને આ લડાઈમાં વૈશ્વિક સ્તરે પ્રધાનમંત્રીશ્રીનું નામ મોખરે છે.
તેમણે સાગર સૈનિક સ્કૂલના લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, મોતીભાઈ ચૌધરીની સાદગી અને આદર્શ જીવન સહકારી ક્ષેત્રના અગ્રણીઓ માટે માર્ગદર્શક બન્યું છે, આવા અનેકો સહકારી ક્ષેત્રના અગ્રણીઓની મહેનતથી આજે દેશ અને રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને ગામડાઓ માટે સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે.
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને પગલે આજે પીપીપી મોડેલ થકી દેશમાં નવી 100 સૈનિક સ્કૂલનું નિર્માણ થયું છે, જેના થકી રાષ્ટ્રના બાળકો સૈન્ય સુધી પહોંચી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહે ખેરાલુ ખાતે ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ અંતર્ગત જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી ખેડૂતોની આવક સાથે દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે. અમુલ જેવી વિશ્વસનીય બ્રાન્ડથી સમગ્ર વૈશ્વિક સ્તરે આના ઉત્પાદનોની માંગ થવાની છે, જેનાથી પ્રાકૃતિક ઉત્પાદન કરતા ખેડૂતો સમૃદ્ધ થશે સાથે તેમણે ખેડૂતોને પોતાના પરિવાર માટે ઓર્ગેનિક ઉત્પાદનો વપરાશ કરવા પણ અપીલ કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ દૂધસાગર ડેરીના સહકારી મોડેલની વાત કરતા જણાવ્યું હતું કે 1960માં 3,300 લિટરથી શરૂ થઈને આજે આ ડેરી 35 લાખ લિટર દૂધનું ઉત્પાદન કરી રહી છે,દસ લાખ ઉત્પાદકો સાથે 8000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી આ ડેરીના માધ્યમથી રાજ્યની મહિલાઓ આત્મનિર્ભર બની છે અને રાષ્ટ્રના વિકાસમાં દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં ફાળો આપી રહી છે.
કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિત શાહે દૂધ સાગર ડેરી અને બનાસ ડેરી અર્થતંત્રના બદલાવ માટેનું સહકારી ક્ષેત્રનું મોડેલ છે તેમ જણાવ્યું હતું, તેમણે દેશના 50 સાંસદો રાજ્યની ડેરી મોડલને સમજે તે માટે તેમના બનાસકાંઠાના પ્રવાસ વિશે પણ વાત કરી હતી.
કેન્દ્ર સહકાર મંત્રીશ્રીએ દેશમાં સહકારી ક્ષેત્રે થયેલ અનેક નવા આયામોની વિગતે વાત કરી હતી સહકારી ક્ષેત્રે ગામડાઓ કેવી રીતે મજબૂત થાય તે માટે ચાલી રહેલી અનેક નવીન પહેલોની વિગતે વાત કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ કમોસમી વરસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પેકેજને આવકાર્યું હતું, અને આ ઉદાર પેકેજ જાહેર કરવા બદલ મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળને શુભેચ્છાઓ આપી હતી. તેમણે ખેડૂતોની આ વિકટ પરિસ્થિતિમાં સરકાર પડખે રહી, અભૂતપૂર્વ પેકેજ જાહેર કરીને ખેડૂતોના આશીર્વાદ મેળવ્યા છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું આ નુકસાનીમાં ખેડૂતોના પડખે ઊભા રહેવા ડબલ એન્જિન સરકારે રૂપિયા 10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. આ સહાયથી ખેડૂતોની બધી મુશ્કેલીઓ દૂર નથી થવાની પરંતુ તેમને ટેકો અવશ્ય મળી રહેશે આવી મુશ્કેલીની પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોને પડખે અડીખમ ઉભી રહી છે.
વધુમાં તેમણે ટેકાના ભાવે ખરીદી અંગે વાત કરતા કહ્યું કે MSP પ્રમાણે ઉત્પાદન મુજબ કોઈપણ જણસની 25% ખરીદી કરી શકાય છે પરંતુ વડાપ્રધાનશ્રીને રજૂઆત કરવામાં આવતા ખેડૂતોને ખરીદીમાં પણ છૂટછાટ આપવામાં આવી છે અને પ્રતિ ખેડૂત 125 મણ મગફળીની ખરીદી કરી શકાય તેટલો જથ્થો મંજુર કરવામાં આવ્યો છે, જેનો ફાયદો ખેડૂતોને થવાનો છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ ઓપરેશન સિંદૂરથી ભારતની સૈન્ય તાકાતનો વિશ્વને પરિચય આપ્યો છે. આ વર્ષે રાષ્ટ્રભાવનાની ચેતના જગાવતા અનેક ઉત્સવોની ઉજવણી થઈ રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ, ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ, વંદે માતરમ@150, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના શતાબ્દી વર્ષ, બંધારણ અંગીકરણના 75 વર્ષ સહિતના રાષ્ટ્રીય ચેતના જગવતા ઉત્સવોની ઉજવણી સાથે દૂધસાગર ડેરી દ્વારા સૈનિક સ્કૂલનું ઉદઘાટન એ રાષ્ટ્રભાવના ઉજાગર કરતી ગૌરવભરી ઘડી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે પ્રબળ રાષ્ટ્રભાવના એ ઉત્તર ગુજરાતની તાસીર રહી છે. ત્યારે શ્વેત ક્રાંતિની નામના અપાવનાર સહકારી આગેવાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન મોતીભાઈ ચૌધરીના નામે કાર્યરત થયેલ આ સૈનિક સ્કૂલ રાષ્ટ્રહિત સર્વોપરી ધ્યેય સાથે ભાવિ પેઢીના નિર્માણનું માધ્યમ બનશે. મોતીભાઈ ચૌધરીના જન્મ શતાબ્દી વર્ષે શિલાન્યાસ થયેલ આ સૈનિક સ્કૂલનું આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષે લોકાર્પણ થયું એ સુભગ સંયોગ છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે કોઈપણ રાષ્ટ્રની સુરક્ષામાં તેના સુરક્ષા દળોની સૈન્યની સજ્જતા મહત્વપૂર્ણ હોય છે. આવી સજ્જતા અનુશાસન, દેશભક્તિનો ભાવ અને શાળા શિક્ષણનો સમન્વય સૈનિક સ્કૂલમાં થતો હોય છે. દેશભક્તિના રંગે રંગાયેલી આવી 100 જેટલી સૈનિક સ્કૂલોની મંજૂરી આપવામાં આવી છે જેમાં નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે.
ઓર્ગેનિક પ્લાન્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કિસાનોના સશક્તિકરણનો આજે એક નવો પ્રકલ્પ ઉમેરાયો છે. સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણથી આ પ્લાન્ટમાં તૈયાર થનાર ઓર્ગેનિક અનાજ, દાળ, મસાલા સહિતની પ્રોડક્ટનું અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાણ થવાનું છે. જે દૈનિક 30 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ઓર્ગેનિક પ્લાન્ટમાં તૈયાર થનાર અનાજ, દાળ, મસાલા સ્વદેશી ઉત્પાદનો અને તેના ઉપયોગને વેગ આપશે.
આ પ્રસંગે સહકાર મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આજે સહકાર વિભાગ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. સાથે દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે તેમણે દેશના સહકાર ક્ષેત્રના માળખાને મજબૂત કરવા અનેકવિધ નવીન ઉપક્રમો શરૂ કરાવ્યા છે. ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને સાકાર કરતાં વ્યાપક પરિણામો દેશના સહકાર ક્ષેત્રે આપણે જોઈ રહ્યા છીએ જેમાં આજે સૈનિક સ્કુલનું લોકાર્પણ શ્વેત ક્રાંતિથી રાષ્ટ્ર ક્રાંતિ તરફની પહેલ પ્રેરણાદાયી છે.
વધુમાં તેમણે કમોસમી વરસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેરાતની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઐતિહાસિક પેકેજ સાથે ઐતિહાસિક ઠરાવ કરી શુક્રવારથી ખેડૂતોના ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે જેનાથી ત્વરિત ધોરણે ખેડૂતને સહાય મળે તે માટે સરકાર કટિબદ્ધ બની છે તેમણે સહાય પેકેજમાં કોઈ ખેડૂત રહી ન જાય તેની ચિંતા સરકાર દ્વારા કરાઈ છે જે માટે શુક્રવારથી ગ્રામ્ય સ્તરે ફોર્મ ભરવાનું ચાલુ થશે અને ખેડૂતોને તુરંત સહાય મળશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કરી સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ઉત્પાદન કરતા ખેડૂતોને ડેરી વચ્ચે એમઓયુ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યા હતા આ ઉપરાંત દૂધ સાગર ડેરીના સહયોગથી નવાચાર થકી સમૃદ્ધિ મેળવનાર આશાબેન પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી દૂધસાગર ડેરીની ઉપલબ્ધતાઓ અને શ્રી મોતીભાઈ આર ચૌધરી સાગર સૈનિક સ્કૂલ તેમજ સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુ વિશે જાણકારી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી અને દૂરડા દ્વારા આશરે 20 વીઘામાં નિર્માણ પામેલ ગ્રીન ફિલ્ડ સંકુલ મોતીભાઈ આર ચૌધરી સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૬ થી ૧૨ના ૭૫૦ વિદ્યાર્થીઓને ભણવા, રહેવા રમત ગમત તેમજ અન્ય પ્રવૃતિઓ માટે સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દૂધસાગર ડેરી મહેસાણા દ્વારા નવીન સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઓર્ગેનિક પ્લાન્ટમાં ઓર્ગેનિક ખેત પેદાશો ખેડૂતો પાસેથી યોગ્ય ભાવે ખરીદી ગ્રાહક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજનું 30 મેટ્રિક ટન પ્રોસેસિંગ તેમજ પેકેજીંગની વ્યવસ્થાવાળા આધુનિક પ્લાન્ટ અને નાના ગ્રાહકલક્ષી પેક તેમજ પેકિંગ કરવાની વ્યવસ્થા યુક્ત પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, પૂર્વ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, સાંસદ સર્વેશ્રી હરિભાઈ પટેલ, ભરતસિંહ ડાભી, મયંકભાઈ નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય સર્વેશ્રી મુકેશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, સરદાર ચૌધરી, સુખાજી ઠાકોર, રાજેન્દ્ર ચાવડા, લવિંગજી ઠાકોર, પૂર્વ મંત્રીશ્રી દિલીપ ઠાકોર, અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, જિલ્લા કલેકટર શ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હસરત જૈસ્મિન, મેનેજિંગ ડિરેક્ટરશ્રી ધીરજ કુમાર ચૌધરી, વાઇસ ચેરમેનશ્રી યોગેશભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ડિરેક્ટરશ્રીઓ સહકારી ક્ષેત્રના અગ્રણીશ્રીઓ સહિતના મહાનુભાવો અને ખેડુ-પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
