Western Times News

Gujarati News

કલોલમાં ચોમાસા દરમ્યાન ભરાતાં વરસાદી પાણીમાંથી લોકોને મુક્તિ મળશે

પ્રતિકાત્મક

કલોલને જળબંબાકારની સમસ્યામાંથી મુક્તિઃ ઔડા દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાનો નિર્ણય

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના અને તાજેતરમાં માવઠાના વરસાદ દરમિયાન ઠેર-ઠેર પાણી ભરાવાના દૃશ્યો સર્જાયા હતા. વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થાના અભાવે સ્થાનિકોમાં વ્યાપક રોષ હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, આખરે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કલોલના સઈજથી ગુરૂકુલ સુધીના પટ્ટામાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના હદ વિસ્તારમાં સમાવિષ્ટ કલોલ તાલુકાના આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમો અમલી કરવાની સાથે રસ્તા, પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ અને સ્ટ્રીટ લાઈટ જેવી માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. હવે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી તે દિશામાં નકકર કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઔડાના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરૂકુલથી સઈજ સુધીના પટ્ટામાં વરસાદી પાણીના નિકાલ માટેની આ અલગ લાઈન નાંખીને તેને હયાત ગંદા પાણીના નિકાલની લાઈન સુધી પહોંચાડવામાં આવશે. ઈજનેરી સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, આ આયોજનને પાર પાડવા માટે રૂ.૩.૮૦ કરોડની આસપાસનો ખર્ચ થવાનો અંદાજ છે અને આ કામને મંજૂરી આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ પ્રોજેકટ માટેની જરૂરી તાંત્રિક અને વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.