બોરીયા ગામેથી ૬૪.૬૫૦ કિલો લીલા ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ વિરુદ્ધ શરૂ કરાયેલા ખાસ અભિયાન હેઠળ શહેરા તાલુકાના બોરીયા ગામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડોડીયાર ફળીયામાંથી લીલા ગાંજાના ૮૨ છોડ મળી આવતા પોલીસએ એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. પટેલને ચોક્કસ બાતમી મળતા ટીમે તરત જ રેડ યોજી હતી.
પ્રાપ્ત બાતમી આધારે એસ.ઓ.જી.ની ટીમ — પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. ગોહિલ, સ્ટાફ તથા બે સરકારી પંચોને સાથે રાખી બોરીયા ગામે આરોપી શંકરભાઈ નારૂભાઈ ડોડીયારના કબ્જામાં આવેલી જમીનમાં તપાસ કરતાં લીલા ગાંજાના ૮૨ છોડ મળી આવ્યા હતા. સ્થળ પર બોલાવવામાં આવેલા એફ.એસ.એલ. અધિકારીશ્રીએ પરીક્ષણ કરતા આ છોડો ગાંજાના હોવાનું ખુલ્યું હતું.મોટા પ્રમાણમાં મળેલા નશીલા છોડનું કુલ વજન ૬૪.૬૫૦ કિલોગ્રામ
તથા કિંમત લગભગ રૂ. ૩૨,૩૨,૫૦૦/- થાય છે. સાથે જ આરોપી પાસેનો એક મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયો હતો. કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૩૨,૩૪,૦૦૦/- જેટલી ગણવામાં આવી છે.આ સમગ્ર ગાંજાનો જથ્થો બાદ તપાસ કબ્જે લેવાયો છે અને આરોપી શંકરભાઈ નારૂભાઈ ડોડીયાર વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં દ્ગડ્ઢઁજી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ઝડપી ધોરણે ચાલુ રાખવામાં આવી છે.
