ફરીવાર વાહનચોરો સક્રિય થતા વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ
તાલુકાના સારસા અને પડાલ ગામેથી રાત્રી દરમ્યાન ઘર નજીક પાર્ક કરેલ કુલ બે મોટર સાયકલ ચોરાતા ચકચાર
ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલમાં વાહનચોર સક્રિય થતા વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ છે. અગાઉ તાલુકાના ઘણા સ્થળોએથી મોટરસાયકલો ઉપરાંત અન્ય મોટા વાહનોની રાત્રી દરમિયાન ચોરીઓ થઈ હોવાની ઘટનાઓ બની હતી.
ત્યારે હાલમાં ફરીવાર વાહનચોર સક્રિય બનતા તાલુકામાં વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ છે. મોટર સાયકલ ચોરીઓની કેટલીક ઘટનાઓ પોલીસ ફરિયાદોના અભાવે પ્રકાશમાં નથી આવતી,અને ચોરીની આવી ઘટનાઓમાં પોલીસ ફરિયાદોના અભાવે ચોરોને મોકળુ મેદાન મળી જતું હોય છે.
મળતી વિગતો મુજબ પરમદિવસે રાત્રી દરમ્યાન રાજપારડી પોલીસ મથક વિસ્તારના સારસા ગામે ઘર નજીક પાર્ક કરીને મુકેલ એક મોટર સાયકલ ચોરાઈ હોવાની ઘટના સામે આવી હતી.
જોકે આ આ લખાય છે ત્યારે મોટરસાયકલ ચોરી બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.ઉલ્લેખનીય છે કે પોલીસ ફરિયાદ થાયતો આવી ઘટનાઓ જાહેરમાં આવતા તેને લઈને અન્ય વાહન માલિકો જાગૃત થઈ શકે,વળી બાઈક ચોરીની અન્ય ઘટના તાલુકાના પડાલ ગામે બની હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રહેનવા ગામના સતિષ રમેશભાઈ વસાવા ગત તા.૧૨ મીના રોજ પડાલ ગામે તેમના કાકાના ઘરે ગયા હતા.તેમણે કાકાના ઘરથી થોડે દુર રસ્તા નજીક તેમની મોટર સાયકલ પાર્ક કરીને મુકી હતી અને તેમના કાકા બહાર ગયેલ હોઈ તેઓ કાકાની રાહ જોઈને તેમના ઘરે બેઠા હતા.
ત્યાર બાદ તેમના કાકા ઘરે આવતા સતિષભાઈ તેમને મળીને ઘરે પરત આવવા મોટર સાયકલ જ્યાં મુકી હતી ત્યાં આવ્યા હતા.તેઓ મોટર સાયકલ મુકેલ તે સ્થળે આવતા મોટર સાયકલ તેની જગ્યાએ જણાઈ ન હતી.મોટર સાયકલ શોધવા છતાં તેની કોઈ ભાળ ન મળતા તેમણે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં મોટર સાયકલ ચોરી બાબતે ફરિયાદ લખાવી હતી.
તાલુકામાં ફરીવાર વાહનચોર સક્રિય થતા વાહન માલિકો ચિંતિત બન્યા છે.પોલીસ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવે તો વાહનચોરો ઝડપાઈ શકે એવી લાગણી અને માંગણી તાલુકાની જનતામાં સ્પષ્ટપણે જોવા મળે છે.વળી ચોરીનો ભોગ બનનાર વાહન માલિકો કેમ પોલીસ ફરિયાદોથી દુર રહે છે? તે બાબતે પણ સવાલો ઉભા થયા છે.
