ચક્રવાતની અસરને કારણે ૧૮થી ૨૪ નવેમ્બરે ફરી વખત માવઠાની શક્યતા
અમદાવાદ, આગામી અઠવાડિયા દરમિયાન આવનાર ચક્રવાતની અસરને કારણે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાના યોગ છે. ડિસેમ્બરમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની વકી હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ નોંધાય છે. મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીની આસપાસ રહે છે.
આમ બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યાં છે. જેના કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે. શુક્રવારે ૧૨.૨ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અમદાવાદનું તાપમાન સામાન્ય વધી ૧૬.૫ ડિગ્રી રહ્યું હતું.
મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે ફૂલગુલાબી ઠંડક વર્તાઇ હતી. નિવૃત્ત હવામાન વૈજ્ઞાનિકની આગાહી મુજબ, ૧૯ નવેમ્બર પછી તાપમાનમાં ફેરફાર થશે. કેટલાક ભાગોમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રી સુધી જવાની સંભાવના છે. પેસિફિક મહાસાગરમાં બે સિસ્ટમની અસર બંગાળની ખાડી અને અરબ સાગરમાં થઈ શકે છે અને વાદળો ઉત્પન્ન થઈ શકે છે.
કેટલીક જગ્યાએ ગાજવીજની પણ શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ૧૬થી ૧૮ નવેમ્બર દરમિયાન એક ચક્રવાત સર્જાશે. ૧૮થી ૨૪ નવેમ્બરે ફરી એક વખત માવઠું થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે ૧૮થી ૨૦ નવેમ્બર દરમિયાન ચક્રવાતની અસર રહેશે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે.
૧૮થી ૨૪ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે ૧૫ ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે. જ્યારે માવઠાની શક્યતા અંગે તેમણે જણાવ્યું છે કે, ૧૬ ડિસેમ્બર સુધીમાં માવઠું થવાની શક્યતાઓ રહેશે.
૨૦ ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે. ૨૨ ડિસેમ્બરથી કાતિલ ઠંડીને વેગ મળશે, હાડ કંપાવતી ઠંડી પડશે.SS1MS
