Western Times News

Gujarati News

દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું ૯૮ વર્ષની વયે નિધન

મુંબઈ, હિન્દી સિનેમાના આદરણીય અને લોકપ્રિય હસ્તીઓમાંના એક એવા અનુભવી બોલિવૂડ અભિનેત્રી કામિની કૌશલનું ૯૮ વર્ષની વયે નિધન થયું છે. જણાવી દઈએ કે તેમને દેશના સૌથી વધુ ઉંમરના અભિનેત્રી હોવાનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, કામિની કૌશલનું નિધન વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓને કારણે થયું હતું. તેમના પરિવારના નજીકના સૂત્રએ વિનંતી કરી છે કે તેમનો પરિવાર અત્યંત લો-પ્રોફાઇલ હોવાથી, આ સમયમાં તેમની ગોપનીયતા જાળવવામાં આવે. આ દિગ્ગજ અભિનેત્રીએ ૨૪ ફેબ્›આરી, ૧૯૨૭ના રોજ જન્મ લીધો હતો અને તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૧૯૪૬માં બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી થઈ હતી.

નોંધનીય છે કે, તેમણે દિલીપ કુમાર અને રાજ કપૂર જેવા અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કરીને પોતાની કારકિર્દીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.કામિની કૌશલે તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન ‘શહીદ’, ‘નદિયા કે પાર’, ‘શબનમ‘, ‘આરઝૂ’, ‘બિરાજ બહૂ’, ‘દો ભાઈ’, ‘ઝિદ્દી’, ‘પારસ’, ‘નમૂના’, ‘ઝાંઝર’, ‘આબરૂ’, ‘બડે સરકાર’, ‘જેલર’, અને ‘નાઇટ ક્લબ’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.

તેમની ફિલ્મ ‘નીચા નગર’ ખૂબ જ હિટ રહી હતી, જેને સૌપ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મો ઉપરાંત, તેમણે દૂરદર્શન પર આવતી સિરિયલ ‘ચાંદ સિતારે’ સહિત ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, ધર્મેન્દ્રના પ્રથમ કો-સ્ટાર કામિની કૌશલ જ હતાં.

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને આ યાદ તાજી કરી હતી અને લખ્યું હતું કે આ ‘મારી જિંદગીની, પહેલી ફિલ્મ ‘શહીદ’ની હીરોઈન કામિની કૌશલ સાથે પહેલી મુલાકાતની પહેલી તસવીર… બંનેના ચહેરા પર સ્મિત… એક પ્રેમભરી ઓળખાણ’ હતી.

ઉમા કશ્યપના નામે લાહોરમાં જન્મેલા કામિની કૌશલ એક અત્યંત શિક્ષિત પરિવારમાંથી આવતા હતા. તેમના પિતા પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી શિવરામ કશ્યપ, ભારતીય વૈજ્ઞાનિક જગતમાં એક અગ્રણી વ્યક્તિ હતા અને તેમણે લાહોરમાં વનસ્પતિ વિજ્ઞાન વિભાગની સ્થાપના કરી હતી.

કામિનીનું બાળપણ ઘોડેસવારી, ભરતનાટ્યમ, સ્વિમિંગ અને શિલ્પકલા જેવા અનેક કૌશલ્યો શીખવામાં પસાર થયું હતું. રેડિયો નાટકો અને રંગભૂમિમાં ભાગ લેવાથી તેમને સ્વાભાવિક અભિનય કરવાની અને અવાજમાં પરિવર્તન લાવવાની કુશળતા વિકસાવવામાં મદદ મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.