Western Times News

Gujarati News

કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

૧૫૫ કિલો લીલા છોડ સાથે એકની ધરપકડ

(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લામાં ગુજરાત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અને વાવેતર મામલે સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં કપાસના પાકની આડમાં કરાયેલું કરોડો રૂપિયાની કિંમતનું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલે એસઓજીએ ૧૫૫ કિલોગ્રામ ગાંજાના લીલા છોડ સાથે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, એસઓજીની ટીમને બાતમી મળી હતી કે અમરેલીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં મોટા પાયે ગાંજાનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ઘટના સ્થળે રેડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ટીમને ખેતરમાં કપાસના પાકની વચ્ચે છૂપાવેલા ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા.

સમગ્ર ઓપરેશન દરમિયાન એસઓજીએ ૧૫૫ કિલોગ્રામના ૪૮ ગાંજાના લીલા છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત રૂ.૭૭.૯૩ લાખ આંકવામાં આવે છે. અમરેલી એસઓજીએ ગેરકાયદે ગાંજાનું વાવેતર કરતાં છના હરી પંચાલા (ઉં.વ. ૫૦) નામના આરોપીની ધરપકડ કરી છે અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.