Western Times News

Gujarati News

આવકવેરા ખાતું AIની મદદથી બેન્ક ખાતાં પર નજર રાખશે

ખાતામાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જોવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે તેવી સંભાવના

નવી દિલ્હી, આયકર વિભાગ એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લઈને હવે બેન્ક ખાતાંઓ પર નજર રાખી રહી છે. બેન્કના બચત બેન્ક ખાતાંમાં અસામાન્ય રીતે ઊંચું બેલેન્સ જોવા મળશે તો પણ કરદાતાની પૂછપરછ કરે તેવી સંભાવના છે.

જો તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ખર્ચ ઓછો હોવા છતાં વધારે સિલક-બેલેન્સ દેખાય તો પણ આવકવેરા વિભાગ તમારા નાણાંના સ્ત્રોત અંગે સ્પષ્ટતા માંગે તેવી શક્્યતા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટ્રેકિંગથી વિભાગે ઘણા કિસ્સાઓ શોધી કાઢ્યા છે જેમાં વ્યક્તિઓએ અજાણ્યા સ્ત્રોતમાંથી મળેલા નાણાં વાપર્યા હોવાનું બહાર આવ્યું છે.

જો પગારના ખાતાંમાંથી તમારા ખર્ચા ઓછા થતા હોય અને તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં ઊંચુ બેલેન્સ છે, તો આવકવેરા વિભાગ તમારા નાણાં ક્્યાંથી આવ્યા તેની પૂછપરછ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અનેક કિસ્સાઓ પકડી આવકવેરા વિભાગને પકડી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પ્રકારના કિસ્સાઓમાં વ્યક્તિઓએ મોટી રકમ બેન્કમાં જમા કરી હતી પણ ખર્ચ માટે ખૂબ જ ઓછા નાણાંનો ઉપાડ કર્યો હતો. આવકવેરા વિભાગે તપાસ અને ડેટા એનાલિસિસ- એકત્રિત થયેલી માહિતીનું વિશ્લેષણ કર્યું તેના પરથી જાણવા મળ્યું છે કે ઘણા ખાતાંધારકો વર્ષોથી પગારના ખાતાંમાંથી માત્ર નાની રકમ જ ઉપાડતા હતા. જ્યારે નોટિસ મોકલવામાં આવી, ત્યારે ઘણા લોકોએ રોજિંદા ખર્ચ, બાળકોની ફી અને અન્ય જરૂરિયાતો માટે પૈસા ક્્યાંથી આવ્યા તે સમજાવી શક્્યા ન હતા.

બેન્કના રેકોર્ડ મુજબ આવા ખાતાઓમાંથી રોકડ ઉપાડ ખૂબ ઓછી હતી. પરિણામે આવકવેરા અધિકારીઓએ માની લીધું હતું કે આ પ્રકારના કરદાતાઓ ગુપ્ત કે અઘોષિત આવકનો ઉપયોગ રોજિંદા ખર્ચ કરવા માટે કરી રહ્યા હતા. આ નાણાં તેમની આવકમાં બતાવતા જ નહોતા. આમ તેઓ જાહેર ન કરેલી આવકના નાણાંનો એટલે કે બ્લેક મનીનો ઉપયોગ કરી રહ્યા હતા. આવકવેરા વિભાગે આવા કિસ્સાઓમાં કરચોરીની સંભાવના માનીને નોટિસ મોકલવા માંડી છે.

આવકવેરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પહેલેથી આ પ્રકારની કરચોરીની પદ્ધતિ વેપારી વર્ગમાં વધુ જોવા મળતી હતી. તેમાં વ્યક્તિગત ખર્ચને કંપનીના ખર્ચ તરીકે બતાવવામાં આવતો હતો. પરંતુ હવે આ રીત પગારદાર કરદાતાઓ પણ અપનાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો એક કરદાતા મહિનાનો પગાર મેળવે છે.

તેની સાથે ભાડે આપેલા ઘરના ભાડાંની આવક પણ ધરાવે છે. આ કરદાતા ભાડું રોકડેથી લઈને તેના આવકવેરાના રિટર્નમાં ભાડાંની આવક બતાવતો જ નથી. આવકવેરાના કાયદા હેઠળ ભાડાંની આવક જાહેર કરવી ફરજિયાત છે. આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે આવકવેરા વિભાગ હવે આવા સેવિંગ્સ એકાઉન્ટ્‌સ પર નજર રાખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યો છે. આર્ટિફિશિયલ જોડાયેલા વર્ષભરના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરે જ છે. આ વિશ્લેષણ કરીને એવા ખાતાઓ શોધે છે, જેમાં જમા રકમ ઉપાડ કરતા ઘણી વધારે હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.