ગુજરાતનું નવું મંત્રીમંડળ હજુ બરોબર ગોઠવાયું નથી!
ગુજરાતના નવા મંત્રીમંડળની રચનાને એક માસ જેટલો સમય થયો હોવા છતાં સમગ્ર મંત્રીમંડળ હજુ થાળે નથી પડ્યું. આનુ કારણ એ છે કે (૧)ઃ-મંત્રીઓને હજુ કાયમી સ્ટાફ મળ્યો નથી. અરે, ટેલીફોન ઓપરેટર કે કમ્પ્યુટર ઓપરેટર પણ મંત્રીઓનાં કાર્યાલયને ઉપલબ્ધ થયા નથી.

એ ઉપરાંત (૨)ઃ-મંત્રીઓની સત્તાઓ અંગે પણ કોઈ સ્પષ્ટતાઓ થઈ નથી એટલે સરકારના જે વિભાગમાં કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રી નિમાયા છે તે વિભાગો તેમની ફાઈલો રા. ક. ના મંત્રી મારફત કેબિનેટ મંત્રીને મુકવી કે સીધી કેબિનેટ મંત્રીને મુકવી એ અંગે દ્વિધા અનુભવે છે.
આમછતાં કેટલાક વિભાગો રા. ક. ના મંત્રીને ફાઈલ મોકલે છે અને કેટલાક વિભાગો હિંમત કરીને રા. ક. ના મંત્રીને કોરાણે મૂકીને ફાઈલ સીધી કેબિનેટ મંત્રીને જ મોક્લી આપે છે. આ પ્રવાહી સ્થિતિનો ઉકેલ લાવવાનો બાકી છે.
મુખ્યમંત્રીની કેબિનેટમા સૂચનાઃ સોમ/મંગળ હાજર રહો, પ્રભારી છો એ જિલ્લામાં જાઓ
ગુજરાત રાજ્યના પ્રવકતા મંત્રી જિતુ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે “ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૧૨/૧૧/૨૫ના રોજ મળેલી મંત્રીમંડળની બેઠકમાં પોતાના નવા સાથી મંત્રીઓને એવી સૂચના આપી હતી કે દર સોમવારે નાગરિકોને મળવાનાં દિવસે તથા દર મંગળવારે સંસદસભ્યો અને ધારાસભ્યોને મળવાનાં દિવસે મંત્રીઓએ ગાંધીનગરમાં અચૂક હાજર રહેવું તેમજ મંત્રીઓને પ્રભારી તરીકે જે જિલ્લો ફાળવવામાં આવ્યો હોય તેની અનિવાર્ય રીતે મુલાકાત લેવી.
” આ સૂચનાઓ પ્રથમ વખત નથી અપાઈ,અગાઉ પણ અપાઇ જ હતી. ફરીવાર આપવી પડી છે જે સૂચવે છે કે અગાઉ અપાયેલ સૂચનાનો અમલ યોગ્ય રીતે થયો નથી! આ વાંચી/સાંભળીને કોઇને ગુજરાતી કહેવત ‘શેઠની શીખામણ ઝાંપા સુધી’ એ યાદ આવે તો તેમાં તેમનો વાંક ન કાઢી શકાય હોં!
નિવૃત સનદી અધિકારી રાજકુમાર ગુપ્તાએ પુસ્તક લખ્યું

નિવૃત સનદી અધિકારીઓ પોતાના અનુભવ અંગે પુસ્તકો લખતા હોય છે! એમાં રાજીવ કુમાર ગુપ્તાનો પણ સમાવેશ થાય છે.
નોન ગુજરાતી આઈ. એ. એસ. અધિકારી ગુજરાતીમા પુસ્તક લખે ત્યારે એ કોક પાસે લખાવાયુ હોય અને તેમના નામે પ્રગટ થયું હોય એવી શક્યતા વધારે રહે!એમ જાણકારો કહે છે.
ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ વર્ષ,૨૦૧૧માં ‘જાહેર શિસ્ત ઃ વિચારથી અમલ સુધી’ નામનું કુલ ૧૨૧ પાનાનું,ગ્લોસી પેપર ઉપર રંગીન મનોહર ચિત્રથી સજ્જ પુસ્તક લખ્યું છે, જેનુ પ્રકાશન નવભારત સાહિત્ય મંદિર દ્વારા કરાયું છે. સમાજમાં શિસ્તની આજની સ્થિતિ તથા શિસ્તની આવશ્યકતા અંગેના કુલ ૪૪ લેખ ધરાવતું આ પુસ્તક સમાજના દરેક વર્ગ માટે લખાયું હોવાનું કહેવાય છે.
આ પુસ્તકમાં અનેક જોડણી દોષ પણ છે એમ નિષ્ણાતો કહે છે. રાજીવ કુમાર ગુપ્તા તેમની આખી કારકિર્દી દરમિયાન તેઓએ જ્યાં કામ કર્યું ત્યાં તેમના હાથ નીચેના અધિકારી અને કર્મચારીઓ સાથે તેમના તોછડા, માનવીય ગરિમાને ન છાજે તેવા હલકા અને અભિમાની વર્તન કરવા માટે પંકાયેલા રહ્યા છે.
તેઓએ જે શીખામણ પુસ્તકમાં આપી હશે તેનો અમલ સર્વિસ દરમિયાન જીવનમાં કશે નથી કર્યો એમ તેમને ઓળખનાર અને તેમની સાથે કામ કરનાર અનેક લોકો કહે છે.
મેટ્રો રેલ કોર્પોરેશન ગાંધીનગર વાસીઓને હેરાન કરે છે?
ગયા સોમવારે અહીં ગાંધીનગરના ચ-૫ પાસે બની રહેલા મેટ્રો રેલ સ્ટેશનના અધુરા અને ધીમાં બાંધકામ અંગે લખ્યું હતું તે વાંચીને એક નિવૃત્ત અધિકારીએ રેલ કોર્પોરેશન સામે ઢગલાબંધ ફરીયાદ મોક્લી છે. તેઓ લખે છે કે
(૧)ઃ-મેટ્રો રેલના સુયોગ્ય સંચાલન માટે (ક)મેટ્રો રેલ કોર્પોરેશન (ખ)માર્ગ અને મકાન વિભાગ (ગ)ગાંધીનગર મહાનગરપાલિકા (ઘ)પોલીસ ખાતુ (ચ)કલેકટર કચેરી (છ) આર. ટી. ઓ. કચેરીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે નિયમિત રીતે ગાઢ સંકલન ખૂબ જરૂરી છે. જે હાલ ‘શૂન્ય’ કક્ષાએ છે. આ અંગે બનાવાયેલ સંકલન સમિતિની બેઠક પણ મળતી નથી
(૨)ઃ-હાલ (ટ્ઠ)છ-૫ (ચિલ્ડ્રન યુનિવર્સીટી) સર્કલ (હ્વ)ચ-૫ સર્કલ (ષ્ઠ)ઘ-૫ સર્કલ પછી આગળ જતાં માર્ગને રેલ કોર્પોરેશન દ્વારા મનસ્વી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે તેને કારણે નાગરિકોને ખૂબ મુશ્કેલી પડે છે. એ રસ્તાઓ વહેલી તકે ખોલવા જોઈએ. આ ઉપરાંત અન્ય અનેક ફરિયાદ છે જે અંગે હવે પછી લખાશે.
પૂર્વ મંત્રી કુંવરજી હળપતિ કહે છે કે મારા નામે કોઈ હપ્તા ઉઘરાવે તો મને ફોન કરજો!

ગુજરાત રાજ્યના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર તથા ગ્રામવિકાસ વિભાગના રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી કુંવરજી નરસિંહ હળપતિએ હમણાં જ એક જાહેર કાર્યક્રમમાં પ્રવચન આપતા કહ્યું કે ‘મુકેશ અને ગોટુભાઈ નામનાં માણસો અહીં મારાં નામે હપ્તા ઉઘરાવવા આવ્યા હતા.
તો મારે જણાવવાનું છે કે મારા કોઈ માણસનું નામ મુકેશ કે ગોટુ નથી તો કોઈ મારાં નામે પૈસા લેવા આવે તો મને સીધો ફોન કરજો!’ પૂર્વ મંત્રીની આ જાહેરાત પછી ત્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અંદરોઅંદર એવી ચર્ચા અને ચિંતા કરતા હતા કે અત્યાર સુધી કુંવરજી હળપતિને નામે જે લોકો રૂપીયા ખંખેરી ગયા એનું શું? એ પાછા મળશે?
