ક્રિસમસ અગાઉ યુક્રેનના ૧,૨૦૦ કેદીઓ વતન પરત ફરે તેવી આશા
કિવ, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં એક સારા સમાચાર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, બંને દેશો યુદ્ધ કેદીઓને ફરી સોંપવા પર કામ કરી રહ્યા છે. જેને પગલે યુક્રેનના ૧,૨૦૦ જેટલા કેદીઓ વતન પરત ફરે તેવી સંભાવના છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના મતે આ દિશામાં વાટાઘાટ ચાલી રહી છે. યુદ્ધ કેદીઓની આપ-લે માટે પ્રક્રિયા ચાલુ હોવાનું ઝેલેન્સ્કીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું.
અસંખ્ય બેઠકો અને વાટાઘાટોના રાઉન્ડ બાદ હવે નિર્ણાયક તબક્કામાં વાતચીત પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું. યુક્રેનની રાષ્ટ્રીય સુરક્ષા તથા રક્ષા કાઉન્સિલના સચિવ રુસ્તમ ઉમેરોવે જણાવ્યું કે, શનિવારે તેમણે તુર્કી અને યુનાઇટેડ આરબ અમિરાતની મધ્યસ્થીથી યુદ્ધ કેદીઓની આપ-લે પુનઃ શરૂ કરવા વાતચીત કરી હતી.
ઈસ્તંબુલમાં યુક્રેનના ૧,૨૦૦ યુદ્ધ કેદીઓને છોડવાના થયેલા કરારનો અમલ કરાવવા હિસ્સેદારોએ સક્રિયતા દર્શાવી હતી. મોસ્કોએ આ મામલે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નહતી.
તુર્કીની મધ્યસ્થીથી યુદ્ધ કેદીઓને મુક્ત કરવાના પ્રોટોકોલ સ્થાપિત કરવા સંદર્ભે ઈસ્તંબુલમાં ૨૦૨૨માં કરાર થયો હતો. જે વ્યાપક, અને સંકલિત આપ-લેના નિયમો નિર્ધારિત કરે છે. ત્યારબાદ રશિયા યુક્રેને હજારો યુદ્ધ કેદીઓની આપ-લે કરી હતી.
ઉમેરોવે કહ્યું કે, સંગઠનાત્મક વિગતોને આખરી ઓપ આપવા સાથે ટેકનિકલ પરામર્શ કરાશે. આશા છે કે, યુક્રેનના યુદ્ધ કેદીઓ તેમના પરિવાર અને સ્વજનો સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરી શકશે. બીજીતરફ રશિયાએ યુક્રેન પર વધુ એક હુમલો કરતા ઉર્જા માળખાને નિશાન બનાવ્યું હતું.
ઓડેસા ક્ષેત્રમાં સૌર ઉર્જા પ્લાન્ટને નિશાન બનાવાયો હોવાનું યુક્રેન ઈમર્જન્સી સર્વિસે જણાવ્યું હતું. રશિયાએ રવિવારે ૧૭૬ ડ્રોન અને એક મિસાઈલ વડે હુમલો કર્યાે હતો. યુક્રેનના લશ્કરે ૧૩૯ ડ્રોનને નિષ્ક્રિય કરી નાંખ્યા હોવાનો દાવો કર્યાે હતો.SS1MS
