વિશ્વના સૌથી પ્રિમેચ્યોર બાળકે એક વર્ષ જીવંત રહી રેકોર્ડ સર્જયો
આયોવા સિટી, અમેરિકાની આયોવા સિટીમાં જન્મેલા ૨૮૩ ગ્રામના નૈશએ વિશ્વ સમક્ષ સાબિત કરી દીધું કે ચમત્કાર ખરેખર થાય છે. માત્ર ૨૧ અઠવાડિયાની ગર્ભાવસ્થામાં જન્મ લેનાર આ નવજાતે ચિકિત્સા વિશ્વની મર્યાદાઓને પડકારી ઉપરાંત વિશ્વના સૌથી પ્રીમેચ્યોર, સમયથી પહેલા જન્મ લેનાર બાળક તરીકે ગીનેઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું.
જન્મ સમયે વજન એક કપકેકથી પણ ઓછું અને જીવનની સંભાવના લગભગ શૂન્ય હતી, પણ આજે નૈશ એક વર્ષનો થઈ ગયો છે અને ખુશમિજાજ, ચંચળ તેમજ પ્રેરણાનો સ્રોત બની ગયો છે.નૈશની માતા મોલ્લી અને પિતા રેન્ડલ અગાઉ પણ દુઃખદ ગર્ભપાતની પીડા ભોગવી ચુક્યા હતા, એથી આ ગર્ભાવસ્થા પણ ભય અને અનિશ્ચિતતાથી ભરી હતી.
માત્ર વીસમાં અઠવાડિયે સમયથી પહેલા જ પ્રસવના સંકેત દેખાવા લાગ્યા. ડોક્ટરોએ સ્પષ્ટપણે જણાવી દીધું કે ૨૧ અઠવાડિયામાં જન્મતા બાળકો જીવિત રહેવાની સંભાવના લગભગ શૂન્ય હોય છે, કારણ કે તેમના શરીર એટલા વિકસીત નથી હોતા કે મેડિકલ ઉપકરણોનો પૂરો ઉપયોગ થઈ શકે.
છતાં પણ મોલ્લીએ આશા નહોતી છોડી અને વિશેષજ્ઞા ચિકિત્સા ટીમની મદદથી ૨૧માં અઠવાડિયે નૈશનો જન્મ કરાવવામાં આવ્યો.એનઆઈસીયુમાં છ મહિના લાંબી, કઠિન તેમજ ભાવનાત્મક લડાઈ પછી નૈશ ઘરે આવી શક્યો.
આજે પણ તેને ઓક્સીજન સપોર્ટ તેમજ ફીડિંગ ટયુબની જરૂર પડે છે, હૃદયમાં નજીવી ક્ષતિ છે, પણ ડોક્ટરો આશ્વસ્ત છે કે સમય સાથે બધુ બરાબર થઈ જશે. નૈશ હજી આળોટતો નથી, પણ કરવટ બદલે છે, ઊભો થવાની કોશિશ કરે છે અને પોતાના સ્મિતથી સૌના હૃદય જીતી લે છે.
ડોક્ટરો અને તેના પરિવાર અનુસાર નૈશ એક બાળક હોવા ઉપરાંત એક અદ્ભુત ચમત્કાર છે, એક એવું ઉદાહરણ છે જે આશા, વિજ્ઞાન અને માનવીય સાહસની શક્તિને પરિભાષિત કરે છે. તેનો પ્રથમ જન્મદિવસ એક ઉત્સવ હોવા ઉપરાંત જીવનની અદમ્ય શક્તિનું પ્રતીક બની ગયો છે.SS1MS
