Western Times News

Gujarati News

અમારે દબાણ છતાં ટારગેટ વટાવી દેવાની જરૂર હતીઃ રિશભ પંત

કોલકાતા, સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ૧૨૪ રનનો પીછો કરવામાં ભારતની અસમર્થતા પર નારાજગી વ્યક્ત કરતા ટીમના ઉપસુકાની રિશભ પંતે રવિવારે જણાવ્યું હતું કે અમારા બેટર્સે ઇડન ગાર્ડન્સની કપરી પિચ પર રમવાના પડકારને સ્વીકારવો જોઈતો હતો.

સાઉથ આફ્રિકાએ ૩૦ રનથી વિજય મેળવીને બે મેચની સિરીઝમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લેવા માટે ભારતને માત્ર ૯૩ રનમાં આઉટ કરી દીધું હતું. મેચ બાદ રિશભ પંતે જણાવ્યું હતું કે “આવી રમત પછી તમે તેમાં વધુ પડતું ધ્યાન ન આપી શકો.

આપણે તેનો પીછો કરી શક્યા હોત પરંતુ દબાણ વધતું રહ્યું. અમે પર્યાપ્ત રીતે સારી રમત દાખવી શક્યા નહીં અને આ સમયે જ ખરી બેટિંગ કરવાની હતી કેમ કે તે સ્પિનર્સને જ મદદરૂપ હતી.જોકે આ મેચના પરાજય છતાં પંતે આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે હવે મે ગુવાહાટી ખાતે રમાનારી બીજી ટેસ્ટમાં જોરદાર રીતે વળતો પ્રહાર કરીશું.

ઇડન ગાર્ડન્સ ખાતે જે પિચ હતી તેવી પિચ પર ૧૨૦થી વધુનો ટારગેટ કપરો બની શકતો હોય છે અને રવિવારે આમ જ બન્યું હતું. જોકે દબાણને વશ થયા વિના રમવાની જરૂર હતી તેમ થયું નહીં ત્યારે આ અંગે લાંબું વિચારવાને બદલે આગામી મેચ વિશે વિચારવું બહેતર રહેશે. આમ આ મેચ અંગે અમે બહુ વિચારતા નથી પરંતુ ગુવાહાટીમાં વળતો પ્રહાર કરવાની યોજના બનાવીશું તેમ પંતે ઉમેર્યું હતું.

તેણે ઉમેર્યું હતું કે ટેમ્બા બાવુમાએ આઠમી વિકેટ માટે ૪૪ રન ઉમેર્યા તે સમયથી જ તેઓ મેચમાં આવી ગયા હતા. ખરેખર તો અમારા બોલર્સે આ જોડીને સસ્તામાં આઉટ કરવાની જરૂર હતી.

બીજી તરફ સાઉથ આળિકાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટીમની આ સફળતાનો યશ તેના સ્પિનર્સને આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભારત સામેની આ સિરીઝ અમારા માટે કપરી હતી પરંતુ અમારા સ્પિનર્સ અને ખાસ કરીને સિમોન હાર્મરે અમને સફળતા અપાવી છે અને આશા રાખું છું કે બીજી ટેસ્ટમાં પણ અમે આવી જ રમત દાખવી શકીશું. જોકે અમારે તે વખતે વધારે સાવધાન રહેવું પડશે કેમ કે અત્યંત પ્રતિભાવંત ભારતીય ખેલાડીઓ હવે અમને હળવાશથી નહીં લે તેની મને ખાતરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.