રાજામૌલીના નાસ્તિકતાનું સમર્થન કરતા નિવેદનથી વિવાદ શરૂ થયો
મુંબઈ, ‘બાહુબલી’ અને આરઆરઆર જેવી ફિલ્મોની ધૂમ સફળતા બાદ નિર્દેશક એસ.એસ. રાજામૌલી ‘વારાણસી’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલા આ ફિલ્મના પ્રચાર કાર્યક્રમમાં રાજામૌલી એવું બોલી ગયા હતા કે, ‘હું ઈશ્વરમાં માનતો નથી’, જેને લીધે તેમની ટીકા થઈ રહી છે.
હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો બનાવવા માટે ખ્યાતિ પામેલા દિગ્દર્શકના આવા શબ્દોથી લોકોની લાગણી દુભાઈ છે અને આ મુદ્દાએ વિવાદનું વાતાવરણ ઊભું કર્યું છે.‘વારાણસી’ના પોસ્ટર અને ટીઝર રિલીઝનો કાર્યક્રમ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં રાખવામાં આવ્યો હતો. જો કે આ કાર્યક્રમ પહેલાં જ ફિલ્મનું ટીઝર ‘લીક’ થઈ ગયું હતું.
રામોજી ફિલ્મ સિટીમાં વિશાળ એલઇડી સ્ક્રીન પર ટીઝર રિલીઝનું ટેકનિકલ પરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે કોઈકે ગેરકાયદે રીતે ડ્રોનનો ઉપયોગ કરીને ટીઝર રેકોર્ડ કરી લીધું હતું અને પછી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધું હતું, જેને લીધે રાજામૌલી નિરાશ થઈ ગયા હતા.નિરાશ રાજામૌલીને ધરપત આપવા માટે તેમના પિતાએ કહ્યું હતું કે, ‘હનુમાનજી બધું સંભાળી લેશે’, ત્યારે રાજામૌલીને ગુસ્સો આવ્યો હતો.
આ અંગે કાર્યક્રમમાં રાજામૌલીએ કહ્યું હતું કે, ‘હું ઈશ્વરમાં માનતો નથી. શું તેઓ (હનુમાનજી) આ રીતે બધું સંભાળી લે છે?’ તેમનો ઈશારો તેમની ફિલ્મના કાર્યક્રમમાં આવેલી ટેકનિકલ અડચણો અને લીક થઈ ગયેલા ટીઝર તરફ હતી. આ દરમિયાન રાજામૌલીએ એવું પણ કહ્યું હતું કે, ‘મારી પત્ની પણ હનુમાનજીને ખૂબ માને છે અને તેમને મિત્ર સમાન માનીને તેમની સાથે વાતો કરે છે.
મને આ બાબતે પણ ગુસ્સો આવે છે.’રાજામૌલીના શબ્દોએ લોકોની લાગણી દુભાવી હતી અને એનો પડઘો તરત સોશિયલ મીડિયા પર પડ્યો હતો. એક નારાજ યુઝરે ટિપ્પણી કરી હતી કે, ‘બાહુબલી અને આરઆરઆર જેવી રાજામૌલીની ફિલ્મો પૌરાણિક કથાઓના રંગે જ રંગાયેલી છે. તેમના દરજ્જાની વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા નહોતી.’
બીજા એક યુઝરે સવાલ કર્યાે હતો કે, ‘જો તેઓ ખરેખર નાસ્તિક છે, તો પછી તેમની ફિલ્મોમાં દેવતાઓ અને પૌરાણિક પાત્રોનો ઉપયોગ શા માટે કરે છે?’આ કાર્યક્રમમાં રાજામૌલીએ કહ્યું હતું કે, ‘રામાયણ અને મહાભારત જેવા પ્રાચીન મહાકાવ્યો પ્રત્યે મને ઊંડો લગાવ છે.
બાળપણથી જ આ મહાકાવ્યોને ફિલ્મોમાં ઉતારવાનું મારું સ્વપ્ન રહ્યું હતું. ‘વારાણસી’નો શૂટિંગ અનુભવ મારા માટે અત્યંત ભાવપૂર્ણ રહ્યો છે. ફિલ્મના એક મહત્ત્વપૂર્ણ ભાગનું શૂટિંગ કરતી વખતે જ્યારે અભિનેતા મહેશ બાબુ ભગવાન રામના રૂપમાં સેટ પર આવ્યા ત્યારે તેમને જોઈને હું ભાવવિભોર થઈ ગયો હતો અને મારાથી રડી પડાયું હતું.’SS1MS
