‘કાશ્મીરની સમસ્યાઓનો પડઘો લાલ કિલ્લામાં પડ્યો!’
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને સ્થાનિક રાજકીય પક્ષ પીડીપીના વડા મહેબૂબા મુફ્તિએ દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાને કાશ્મીરની સમસ્યા સાથે જોડીને વિવાદ પેદા કર્યાે છે.
મહેબૂબા મુફ્તિએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવ્યો છે કે ૧૦મી નવેમ્બરે લાલ કિલ્લાની સામે થયેલો વિસ્ફોટ દેશભરમાં વધી રહેલી અસુરક્ષાની ભાવના અને જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રની નીતિઓની નિષ્ફળતા દર્શાવે છે.
પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ કહ્યું કે, તમે દુનિયાને દેખાડ્યું કે કાશ્મીરમાં બધું બરાબર નથી, પરંતુ કાશ્મીરની પરેશાની લાલ કિલ્લાની સામે ગૂંજી રહી છે. તમે(કેન્દ્ર સરકાર) જમ્મુ-કાશ્મીરને સુરક્ષિત બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ એ વચન પૂર્ણ કરવાને બદલે, તમારી નીતિઓએ દિલ્હીને અસુરક્ષિત બનાવી દીધું છે.
હિન્દુ-મુસ્લિમની રાજનીતિ કરીને વોટ મળી શકે છે, પરંતુ દેશ કંઇ દિશામાં જઈ રહ્યો છે. દિલ્હીના લોકો કદાચ વિચારતા હશે કે જેટલું વધુ હિન્દુ-મુસ્લિમ વિભાજન થશે, એટલું જ લોહી વધુ વહેશે, એટલા જ વધુ વોટ તેમને(ભાજપ) મળશે. મને લાગે છે કે તેમણે ફરીથી વિચારવું જોઈએ. દેશ ખુરશી કરતાં ખૂબ મોટો છે.
આ સાથે મહેબૂબા મુફ્તિએ આતંકવાદી ગતિવિધિમાં સામેલ યુવાનોને કહ્યું કે તમે જે કરી રહ્યા છો એ બિલકુલ ખોટું છે. આ ફક્ત તમારા માટે નહીં, પરંતુ તમારા પરિવાર, જમ્મુ-કાશ્મીર અને આખા દેશ માટે પણ ખતરનાક છે.
તમે એટલું મોટું જોખમ ઉઠાવી રહ્યા છો, કારણ કે તમે તમારા પ્રિયજનોનું જીવન બરબાદ કરી રહ્યા છો. કેટલાય નિર્દાેષ લોકોનું જીવન દાવ પર છે. બીજી તરફ, ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ મહેબૂબા મુફ્તિના દિલ્હી કાર બ્લાસ્ટ પરના નિવેદનની ટીકા કરી છે.
પૂનાવાલાએ કહ્યું કે, આતંકવાદ બચાવો ગેંગ – ફરીથી કામ પર લાગી ગઈ છે. આ એ જ મહેબૂબા મુફ્તિ છે જેમણે બુરહાન વાની અને અન્ય આતંકવાદીઓને નિર્દાેષ ગણાવ્યા હતા.SS1MS
