અનામતની ૫૦ ટકાની મર્યાદાનો ભંગ થશે તો સ્થાનિક ચૂંટણી અટકાવીશું: સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું છે કે આગામી મહિને યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધુ ના હોવી જોઈએ. સર્વાેચ્ચ અદાલતે ચેતવણી આપતા કહ્યું છે કે જો અનામતની મર્યાદાનો ભંગ થશે તો ચૂંટણી પર સ્ટે મૂકાશે.
દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની ખંડપીઠે કહ્યું કે, રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ ૨૦૨૨ના જે કે બાંઠિયા પંચના રિપોર્ટ પૂર્વેની સ્થિતિ મુજબ યોજી શકાશે, જેમાં અન્ય ઓબીસી વર્ગમાં ૨૭ ટકા અનામતની ભલામણ કરાઈ હતી.
મહારાષ્ટ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાની વિનંતીને ધ્યાનમાં લેતા બેન્ચે સુનાવણી ૧૯ નવેમ્બરે નિર્ધારિત કરી છે. જો અરજી એ હોય કે ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો કોર્ટ તેનું કામ રોકી દેશે અને ચૂંટણી પર સ્ટે આપશે.
કોર્ટની તાકાતની પરીક્ષા ના કરો તેવી ટિપ્પણી સુપ્રીમે કરી હતી.બેન્ચે જણાવ્યું કે, અમારો બંધારણીય બેન્ચ દ્વારા નિર્ધારિત ૫૦ ટકા અનામત મર્યાદાને પાર કરવાનો ક્યારેય ઈરાદો નહતો. અમે બે જજની બેન્ચમાં બેસીને આવું ના કરી શકીએ. બાંઠિયા પંચનો રિપોર્ટ હજુ પણ કોર્ટમાં વિચારણા હેઠળ છે.
સુપ્રીમ કોર્ટે એ અરજીઓ સામે નોટિસ જાહેર કરી હતી જેમાં આક્ષેપ કરાયો હતો કે રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં કેટલાક કિસ્સામાં અનામતની મર્યાદા ૭૦ ટકા સુધી હતી.
સોલિસિટર જનરલ મહેતાએ દલીલ કરતા કહ્યું કે, ઉમેદવારી નોંધણી માટેની છેલ્લી તારીખ સોમવાર છે. તેમણે સર્વાેચ્ચ અદાલતના ૬ મેના આદેશને ટાંક્યો હતો, જેનાથી ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો બન્યો હતો. જસ્ટિસ જોયમાલા બાગચીએ આ સંદર્ભે કહ્યું કે, અમે સ્થિતિથી સંપૂર્ણ રીતે વાકેફ હતા.
બાંઠિયા પંચના રિપોર્ટ અગાઉની સ્થિતિ જળવાઈ રહેવાના અમે સંકેત આપ્યા હતા. પણ શું તેનો અર્થ એ થાય છે બધા માટે ૨૭ ટકા છૂટ અપાશે? તો આ આદેશ સુપ્રીમના અગાઉના ચુકાદાથી વિપરીત છે.
જસ્ટિસ સૂર્યકાંતે તુષાર મહેતાને જણાવ્યું કે, જો બાંઠિયા પંચની ભલામણો મજબ ચૂંટણી યાજાશે તો આ બાબત નિરર્થક પુરવાર થશે. અમને બંધારણીય બેન્ચની વિરુદ્ધના આદેશો પસાર કરવા દબાણ ના કરો.SS1MS
