ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીની હત્યા કરનાર આરોપી ઝડપાયો
ભાવનગર, ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે લગ્નના દિવસે જ લોખંડના પાઇપના ઘા ઝીંકીને પોતાની ભાવિ પત્નીની કરપીણ હત્યા કરીને નાસી છૂટેલા આરોપી સાજનને પોલીસે ઝડપી લીધો છે.
આ કેસની વિગતો એવી છે કે, પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતા હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેન (ઉંમર ૨૪) નામની યુવતીની સવારે લોખંડના પાઇપના ઘા ઝીંકીને તેના ભાવિ પતિ સાજન બારૈયાએ હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો.પોલીસે ગઇકાલે રવિવારે હત્યા કરીને નાસી છૂટેલા સાજન બારૈયાને ઝડપી લીધો છે.
મૃતક યુવતી સોનીબેન અને આરોપી સાજન છેલ્લા આઠ મહિનાથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. પરિવારજનોએ તેમના લગ્ન નક્કી કર્યા હતા અને ગઈકાલે તેમના લગ્ન હતા.
લગ્ન થાય તે પહેલાં ભાવિ પત્ની સાથે ઝઘડો થતાં આરોપી આવેશમાં આવી ગયો હતો અને તેણે લોખંડના પાઇપ ઝીંકીને સોનીબેનની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને કારણે સોનીબેનના મહેંદીનો લાલ રંગ લોહીના લાલ રંગમાં ફેરવાઈ ગયો હતો. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.SS1MS
