Western Times News

Gujarati News

દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયેલા વેપારીની ગાડીમાંથી ૬.૦૮ લાખની ચોરી

અમદાવાદ, પશ્ચિમ વિસ્તારમાં ચોરીના ત્રણ અલગ અલગ બનાવ સામે આવ્યા છે. વેપારી માતાની દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયા ત્યારે ગાડીનો કાચ તોડી અજાણી વ્યક્તિ રૂ. ૬.૦૮ લાખ ચોરી ફરાર થઇ ગઈ હતી. જ્યારે મકરબામાં રહેતો પરિવાર મકાન બંધ કરી કામ પર ગયો ત્યારે તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલીને રૂ. ૪.૬૨ લાખની મતા ચોરી કરી હતી.

જ્યારે વેજલપુરમાં ૧.૨૫ લાખની મતા ચોરી થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોતાના મૌલિકભાઈ પંચાલ પ્લાસ્ટિકનો વેપાર કરે છે. મૌલિકભાઇ તા.૧૦મીએ જુહાપુરા ખાતે ગયા હતા ત્યાંથી વેપારી પાસેથી ૨.૯૪ લાખ રોકડા લઇ બાદમાં એસ.જી હાઈવેની આંગડિયા પેઢીમાંથી ૧ લાખ લઇને નીકળ્યા હતા.

જે બાદ તે ગોતામાં આવેલી એક આંગડિયા પેઢીમાંથી રૂ. ૧.૬૪ લાખ રૂપિયા લઇને નીકળ્યા હતા. મૌલિકભાઇએ તેમની પાસેના કુલ રૂ. ૬.૦૮ લાખ લઇને ઘરે જવા નીકળ્યા હતા. મૌલિકભાઇના માતાની તબિયત નાદુરસ્ત હોવાથી તે વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેની મેડિકલ દુકાનમાં દવા લેવા ગયા હતા. દવા લઇને પરત આવ્યા ત્યારે તેમની ગાડીનો કાચ તોડી તસ્કરો ૬.૦૮ લાખ રોકડા ચોરી ફરાર થઇ ગયો હતો. આ અંગે સોલા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મકરબા રોડ પરના ઓમ શાંતિનગરમાં રહેતા પિંકીબેન જાદવ અને તેમના પરિવારજનો અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે. પરિવારના સભ્યો ઘર બંધ કરીને કામ પર ગયા હતા. પિંકીબેન સાંજે કામેથી પરત આવ્યા ત્યારે ઘરના દરવાજે લગાવેલું તાળું ખુલ્લું હતું. તેમણે ઘરમાં તપાસ કરી તો માતાના અવસાન બાદ કંપનીમાંથી મળવાપાત્ર રકમ સહિત કુલ રૂ. ૪.૬૨ લાખની મતા ચોરી થઇ હતી.

વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં ટેલિકોમ કંપનીના ટાવરમાંથી ૫ય્નું બીબીયુ કાર્ડ ચોરી થયાની દસેક ફરિયાદો પોલીસે ચોપડે નોંધાઈ હતી.

તાજેતરમાં ગ્રામ્ય એલસીબીએ આ ચોરી કરનાર બે આરોપીને ઝડપી લીધા હતા. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ૧.૨૫ લાખની મતાના કાર્ડ ચોરી થયાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ કાર્ડ પણ ગ્રામ્ય એલસીબીએ પકડેલા આરોપીઓએ જ ચોરી કર્યાની શંકા રાખી પોલીસે તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.