પુત્રવધૂએ કામ માટે કબાટ ખોલતા સાસરિયાએ ઢોર માર મારી કાઢી મૂકી
અમદાવાદ, રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં લગ્ન બાદ પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા આવેલી પરિણીતાને લગ્નના ત્રણ જ મહિનામાં કડવો અનુભવ થયો છે. પતિ સહિત સાસરિયાઓએ પરિણીતા સાથે મારઝૂડ કરીને હેરાન કરવા લાગતા કંટાળીને પતિ સહિત ૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં પરિવાર સાથે રહેતી ૩૧ વર્ષીય યુવતીના સામજિક રીતરિવાજ મુજબ તેના લગ્ન રામોલમાં રહેતા યુવક સાથે થયા બાદ પરિણીતા વસ્ત્રાલ ખાતે આવેલી તેની સાસરીમાં પતિ અને સંયુક્ત પરિવાર સાથે રહેવા માટે ગઈ હતી.
લગ્નના ત્રણ મહિના સુધી યુવતીને તેની સાસરીમાં સારી રીતે રાખી હતી. બાદમાં પતિ, જેઠ, જેઠાણી તથા સાસુ-સસરા નાની મોટી બાબતોમાં તકરાર કરવા લાગ્યા હતા.
રસોઈમાં ખામીઓ કાઢીને સાસુ-સસરા કહેતા કે તને કશું આવડતું ના હોય તો તારા માં-બાપના ઘરે પાછી જતી રહે કહીને મેણાં-ટોણાં મારતા હતા. આ દરમિયાન ઘરની પુત્રવધૂએ કામ અર્થે કબાટ ખોલતા જેઠાણી જોઈ જતા પરિણીતાને લાફો મારી દીધો હતો.
આ અંગે પત્નીએ તેના પતિ અને સાસુ સસરાને વાત કરતા પતિએ પણ જેઠાણીનું ઉપરાણું લઈને પત્નીને ઢોર માર્યાે અને સાસુએ “આ તારું ઘર નથી અમે કહીએ તેમ તારે રહેવું પડશે” કહીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે પરિણીતાએ પતિ સહિત સાસરીના ૬ લોકો વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી છે.SS1MS
