પાકિસ્તાની સિંગર તલ્હા અંજુમે કોન્સર્ટમાં લહેરાવ્યો તિરંગો
મુંબઈ, પાકિસ્તાની રેપર તલ્હા અંજુમે રવિવારે નેપાળમાં એક કોન્સર્ટ દરમિયાન મિત્રતાનો સંદેશ આપવા માટે સ્ટેજ પર ભારતનો ધ્વજ ફરકાવ્યો અને તેને પોતાની પીઠ પર ઓઢીને કોન્સર્ટમાં ગીત ગાયુ હતુ.
જોકે, તલ્હા અંજુમના આ પગલાની પાકિસ્તાનમાં ટીકા થઈ રહી છે અને પાકિસ્તાનના ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાના દેશના રેપર તલ્હા અંજુમને ટ્રોલ કરી રહ્યા છે.નેપાળના કોન્સર્ટ દરમિયાન, જેવો તલ્હા અંજુમને ભારતીય પ્રશંસકે ભારતનો ધ્વજ આપ્યો, તેણે ખૂબ ખુશીથી તે લીધો અને શો દરમિયાન જ તેને લહેરાવવાનું શરૂ કરી દીધું.
જેનો વીડિયો વાઇરલ થતા તેને હાલ ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ટ્રોલ કરનારા યુઝર્સ માટે તલ્હા અંજુમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ‘મારું દિલ નફરત માટે જગ્યા નથી રાખતું અને મારી કલાની કોઈ સીમા નથી.
જો હું ભારતીય ધ્વજ ઉઠાવું અને તેનાથી વિવાદ થાય તો પણ હું તે ફરીથી કરીશ. ‘સાથે જ, પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાનની સરકાર માટે તલ્હા અંજુમે લખ્યું કે, ‘હું ક્યારેય મીડિયા, યુદ્ધને પ્રોત્સાહન આપતી સરકાર અને તેમની પ્રચાર-યોજનાઓની પરવા કરતો નથી. ઉર્દૂ રેપ હંમેશા સીમાઓથી પરે રહેશે.’તલ્હા અંજુમ પાકિસ્તાનના જાણીતો ઉર્દૂ રેપર છે અને તે ‘યંગ સ્ટનર્સ’ બેન્ડનો સભ્ય પણ છે.
તેનો જન્મ કરાચીમાં ૩ ઓક્ટોબર, ૧૯૯૫ના રોજ થયો હતો. ભારતમાં તેમનું સૌથી વધુ લોકપ્રિય ગીત તેના સોલો આલ્બમ ‘ઓપન લેટર’માંથી ડોનર્સ એટ ડસ્ક છે.
આ ઉપરાંત, ભારતીય રેપર નેઝી માટેનો તેમનો ડિસ ટ્રેક ‘કૌન તલ્હા’ પણ ભારતમાં ખૂબ વાઇરલ થયો હતો. હિપ-હોપ આર્ટિસ્ટ તલ્હા અંજુમનો ભારતમાં ખૂબ મોટો ચાહક વર્ગ છે, તેના ગીતો પાકિસ્તાન કરતાં ભારતમાં વધુ સાંભળવામાં આવે છે અને તેના ઘણા ગીતો ભારતમાં ટોપ ટ્રેન્ડમાં રહ્યા છે.
પાકિસ્તાની રેપર તલ્હા અંજુમનું રેપ ‘કૌન તલ્હા’ પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ ખૂબ વાઇરલ થયું હતું અને ભારતમાં પણ તલ્હા અંજુમના સારા એવા યુટ્યુબ સબસ્ક્રાઇબર હતા, પરંતુ પહલગામમાં આતંકી હુમલા બાદ તલ્હા અંજુમના યુટ્યુબ એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું.
ભારતમાં પ્રતિબંધ મૂકાયો તે પહેલાં, તલ્હા અંજુમના છેલ્લા બે વીડિયો પર અનુક્રમે ૧૨ મિલિયન અને ૨૯ મિલિયન વ્યૂઝ હતા, પરંતુ પ્રતિબંધ પછી પોસ્ટ થયેલા વીડિયોના વ્યૂઝ ઘટીને માત્ર ૧.૨ મિલિયન અને ૬ લાખ ૪૧ હજાર થઈ ગયા.જો તલ્હા અંજુમની ‘એક્સ પોસ્ટ્સ પર નજર નાખીએ, તો તેણે સતત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તે ક્યારેક કાશ્મીરની આઝાદીના બહાને ભારત વિરુદ્ધ અપપ્રચાર કરે છે, તો ક્યારેક પુલવામા જેવા જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરાયેલા હુમલાઓનો દોષ ભારત પર ઢોળીને પાકિસ્તાન અને તેના આતંકીઓનો બચાવ કરે છે.
તલ્હા અંજુમ અગાઉ એક્સપર ભારતીય સેનાને અપશબ્દો પણ કહી ચૂક્યો છે. એવામાં એ કહેવું ખોટું નહીં હોય કે નેપાળમાં તલ્હા અંજુમનું ભારતનો ધ્વજ ફરકાવવો કે ઓઢવો એ પીઆર સ્ટંટ સિવાય બીજું કંઈ નથી.SS1MS
