કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને પાંચ વર્ષની કેદની સજા
File Photo
નારણપુરામાં રહેતા જવેલર્સ હર્ષદ ઝીંઝુવાડિયાને વર્ષ ૨૦૧૪-૨૦૧૫ દરમિયાન કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિતના આરોપીઓએ જુદા જુદા નંબરો પરથી ફોન કરી ધમકીઓ આપી હતી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ૫૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાના ચકચારભર્યાં કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી સહિત ત્રણ આરોપીઓને પાંચ-પાંચ વર્ષની કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે.
વધુમાં કોર્ટે આરોપી વિશાલ ગોસ્વામી અને રિન્કુ ગોસ્વામીને ૧.૭૫ લાખ રૂપિયા અને અન્ય આરોપીઓ સતીષ ગોસ્વામીને ચાર-ચાર લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા પણ હુકમમાં ઠરાવ્યું હતું. આ કેસમાં અન્ય ચાર આરોપીઓને કોર્ટે શંકાનો લાભઆપી નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા.
કોર્ટે આરોપી વિશાલ ગોસ્વામી, રિન્કુ ગોસ્વામી અને સતીષ ગોસ્વામીને સજા ફટકારતાં ચુકાદામાં જણાવ્યું કે, આરોપીઓ સામે ૫૦ લાખ રૂપિયાની ખંડણી માંગવાનો કેસ નિશંકપણે પુરવાર થાય છે, તે જોતાં ન્યાયના હિતમાં આરોપીઓને યોગ્ય સજા કરવાની ન્યાયોચિત લેખાશે.
ચકચારભર્યા કેસના ટ્રાયલ દરમિયાન રાજ્ય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર ચેતન શાહ અને અધિક સરકારી વકીલ કમલેશ જૈને કોર્ટ સમક્ષ પૂરતા સાક્ષીઓ તપાસી અને દસ્તાવેજી પુરાવાઓ અદાલતના રેકર્ડ પર મૂકતાં જણાવ્યું હતું કે,
શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા જવેલર્સ હર્ષદ ઝીંઝુવાડિયાને વર્ષ ૨૦૧૪-૨૦૧૫ દરમિયાન કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિતના આરોપીઓએ જુદા જુદા નંબરો પરથી ફોન કરી ધમકીઓ આપી હતી અને ૫૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
આરોપીઓએ ખંડણીની રકમ જમા કરાવવા માટે જુદા જુદા બેન્ક એકાઉન્ટ નંબરો પણ આપ્યા હતા. જેમાં હર્ષદભાઈ દ્વારા ૧૧ લાખ રૂપિયા જેટલી રકમ પણ જમા કરાવાઈ હતી. જે પૈસા બાદમાં આરોપીઓએ ખાતામાંથી ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે હર્ષદભાઈના પુત્ર ધર્મેશભાઇએ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીખોર વિશોલ ગોસ્વામી, રિન્કુ ગોસ્વામી, સતીષગીરી ગોસ્વામી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી.
