Western Times News

Gujarati News

બેંગકોકથી આવેલો મુસાફર 4 કિલો ડ્રગ્સ સાથે સુરત એરપોર્ટ પર ઉતર્યો

સુરત એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું -બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ૪ કિલો હાઇડ્રોપોનિક વીડ જપ્ત

(એજન્સી)સુરત, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર માદક પદાર્થોનો મોટો જથ્થો પકડાતા ચકચાર મચી જવા પામી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને સીઆઈએસએફની સંયુક્ત ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ટીમે બેંગકોકથી આવેલા એક આંતરરાષ્ટ્રીય મુસાફર પાસેથી રૂ.૧.૪૨ કરોડની કિંમતનો ૪ કિલોગ્રામથી વધુનો હાઇડ્રોપોનિક વીડનો જથ્થો ઝડપી પાડ્‌યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે (૧૭ નવેમ્બર) સાંજે ૦૭ઃ૩૦ વાગ્યે એર ઈન્ડિયાની ફ્‌લાઇટ નંબર આઈએકસ-૨૬૩ બેંગકોકથી સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ ફ્‌લાઇટના મુસાફરોનું નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું, તે દરમિયાન એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

સીઆઈએસએફ અને કસ્ટમ્સની ટીમે આ શંકાસ્પદ મુસાફરના માલ-સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન તેની બેગમાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલા ૮ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો ખોલીને તપાસ કરતાં તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘું ગણાતું હાઇડ્રોપોનિક વીડ મળી આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે જપ્ત કરાયેલા આ હાઇબ્રિડ ગાંજાનું કુલ વજન ૪.૦૫૫ કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે ૧,૪૧,૯૨,૫૦૦ રૂપિયા જેટલી માતબર રકમ થાય છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી મુસાફરની અટકાયત કરી હતી. આ મામલે, જપ્ત કરાયેલા પદાર્થને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.

ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ, સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુસાફરની વિધિવત ધરપકડ કરી કસ્ટડી મેળવી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે આ જથ્થો કોણે મોકલ્યો હતો અને સુરતમાં તેની ડિલિવરી કોને કરવાની હતી, તે અંગેના તથ્યો બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.