બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા ૫૦૦ લોકોને પકડ્યાનો બીએસએફનો દાવો
નવી દિલ્હી, ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલી મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયાનો ડર ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફેલાઈ ગયો છે. આ ડરને કારણે, પશ્ચિમ બંગાળમાંથી લગભગ ૫૦૦ બાંગ્લાદેશીઓ ભારત છોડીને ભાગવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી સામે આવી છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સએ આ લોકોને સરહદ પાર કરતી વખતે ઇન્ટરસેપ્ટ કર્યા હતા, જે દરમિયાન આ સમગ્ર મામલાનો ખુલાસો થયો.ચૂંટણી પંચે એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં બૂથ લેવલ ઓફિસરો ઘરે-ઘરે જઈને મતદારોની માહિતીની ચકાસણી કરી રહ્યા છે.
આ પ્રક્રિયામાં એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે, “શું તમારું નામ ૨૦૦૩ની મતદાર યાદીમાં હતું? જો નહીં, તો તમારા પરિવારના કયા સભ્યોનું નામ હતું?”આવા સવાલોના જવાબ ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો આપી શકતા નથી, કારણ કે તેમની પાસે જૂના રેકોર્ડ હોતા નથી. પકડાઈ જવાના ડરથી હવે તેઓ ભારત છોડીને પાછા બાંગ્લાદેશ ભાગી રહ્યા છે.
સોમવારે, પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સ્વરૂપનગર પાસે આવેલી હાકિમપુર ચેક પોસ્ટ પરથી લગભગ ૫૦૦ લોકો બાંગ્લાદેશ તરફ જતા જોવા મળ્યા હતા.
બીએસએફની ૧૪૩મી બટાલિયને આ મોટી હિલચાલ જોઈને શંકાના આધારે તેમને અટકાવ્યા અને પૂછપરછ કરી. બીએસએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ૫૦૦ લોકોએ સ્વીકાર્યું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા અને તેમની પાસે કોઈ વિઝા, પાસપોર્ટ કે ઓળખપત્ર નથી.
એક રિપોર્ટ મુજબ, આ વર્ષે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું ભારતમાંથી પલાયન કરવાની આ સૌથી મોટી ઘટના છે.પકડાયેલા લોકોમાંથી ઘણાએ જણાવ્યું કે તેઓ વર્ષાેથી પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં ઘરેલુ નોકર, મજૂર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા હતા.
આ મહિનાની શરૂઆતમાં પણ, બીએસએફએ આવા જ ૧૦૦ બાંગ્લાદેશીઓને પકડ્યા હતા જેઓ એસઆઈઆરના ડરથી પાછા ફરી રહ્યા હતા.SS1MS
