દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો
નવી દિલ્હી, મૂળ સુરતના ઓલપાડના રહેવાસી અને મહારાષ્ટ્રના થાણેમાં ઈપીએફઓ ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિક રામચંદ્રભાઈ પટેલના અપહરણ અને લૂંટ કેસમાં વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે.
પારડીના ખડકી હાઈવે પર ભોજન બાદ કેફી પીણું પીવડાવી બેહોશ કરી કારમાં અપહરણ કરનાર દિલ્હીની આંતરરાજ્ય ઝેરખુરાની ગેંગના એક સાગરિતને રાજસ્થાનના જયપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ઓલપાડ જવા માટે થાણેથી પોતાની કારમાં નીકળેલા આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર હાર્દિક પટેલે ગત સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ રાઈડ શેરિંગ એપ્લિકેશન બીએલએબીએલએ પર રાઈડ માટે પોસ્ટ કરી હતી.
જેના આધારે રવિ અને જીતેન્દ્ર નામના બે શખ્સોએ સીટ બુક કરાવી હતી. થાણેથી કારમાં બેઠા બાદ સુરત જતા રસ્તામાં પારડીના ખડકી હાઇવે પર આવેલી રામદેવ ઢાબા હોટલમાં ભોજન લીધા બાદ બંને શખ્સોએ હાર્દિક પટેલને ચા કે સોફ્ટડ્રિન્કમાં નશાયુક્ત સેટ્રીઝીન ટેબ્લેટ ભેળવી કેફી પીણું પીવડાવી દીધું હતું,
જેનાથી તેઓ બેહોશ થઈ ગયા હતા.બેહોશ થતાં જ આરોપીઓએ તેમનું કારમાં અપહરણ કરી મહારાષ્ટ્રના ગોરેગાંવ પહોંચી ગયા હતા. અહીં આરોપીઓ મોબાઈલ, લેપટોપ, જુદી જુદી બેંકના ક્રેડિટકાર્ડ, આધારકાર્ડ સહિતનો કિંમતી સામાન લૂંટી ફરાર થઈ ગયા હતા.
આરોપીઓએ ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરી ફ્લિપકાર્ડ, સ્વીગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોનમાંથી ઓનલાઈન રૂ. ૨.૫૯ લાખની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું.પારડી પોલીસે ગુનો નોંધી કેસની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.
એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. અંતે, પોલીસની ટીમે રાજસ્થાનના જયપુર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી દિલ્હીની આંતરરાજ્ય ઝેરખુરાની ગેંગના સાગરિત અંકુશ મદનલાલ પાલ (ઉ.વ. ૩૭, રહે. હરિનગર, ન્યુ દિલ્હી) ને પકડી પાડ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. ૩,૧૨૧ અને ૩ મોબાઈલ જપ્ત કર્યા છે.ઝડપાયેલા આરોપી અંકુશ પાલે દિલ્હીની કોલેજમાંથી બીસીએ સુધીનો અભ્યાસ કરેલો છે અને અંગ્રેજી ભાષા પર તેનું સારું પ્રભુત્વ છે. દેખાવે સ્માર્ટ અને વેપારી જેવો પહેરવેશ ધારણ કરી તે વાતચીતની ચાતુરીથી લોકોને વિશ્વાસમાં લેતો હતો. પોલીસથી બચવા તે સતત વેશપલટો કરતો હતો.
મુસાફરી દરમિયાન હંમેશા માસ્ક પહેરતો અને ચોરી કર્યા બાદ હેર સ્ટાઇલ, દાઢીની સ્ટાઇલ, પહેરવેશ બદલતો હતો એટલું જ નહી પોલીસથી બચવા શીખ હોવાનું બતાવવા સરદારજી જેવી પાઘડી, મુસ્લિમ પહેરવેશ કે ક્રિશ્ચિયન પહેરવેશ ધારણ કરતો હતો.
ચોરીના એટીએમ-ક્રેડિટ કાર્ડથી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી એપ્લિકેશન પરથી વસ્તુઓ ખરીદી, પોલીસને સરનામું ન મળે તે માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે જાહેર બગીચા જેવી જગ્યાએ ડિલિવરી લેતો હતો. ચોરીના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવા માટે ડુપ્લીકેટ બિલ બનાવી ઓએલએક્સ જેવી એપ્લિકેશન પર વેચાણ કરતો હતો.SS1MS
