ભાવનગરમાં પત્ની, બે સંતાનોના હત્યારા પતિને ૭ દિવસના રિમાન્ડ
ભાવનગર, ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. હત્યા બાદ ફરાર થઈ ગયેલા શૈલેષ ખાંભલાને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી ઝડપી પાડ્યો હતો અને ભરતનગર પોલીસને સોંપ્યો હતો.
આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
કોર્ટે દલીલોના અંતે શૈલેષના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસર ખાતે એકઠા થયા હતા.પોલીસ ૭ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપી શૈલેષ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ, આ હત્યાકાંડને અંજામ આપવામાં તેને કોઈએ મદદ કરી હતી કે કેમ, અને મુખ્યત્વે હત્યા શા માટે કરવામાં આવી તેવા મુદ્દાઓ પર તપાસ કરશે.
એક સાથે ત્રણ-ત્રણ હત્યા કરનાર વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલાને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ રબારી માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે.
માલધારી સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, આવું જઘન્ય કૃત્ય કરનાર હેવાનને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે. સમાજે કોર્ટ તેમજ જિલ્લા કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરીને સમગ્ર કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને ઝડપથી ચુકાદો જાહેર કરીને દાખલારૂપ સજા આપવામાં આવે માગ કરી છે.SS1MS
