Western Times News

Gujarati News

પાટણની ખેડૂત પુત્રી મિતવાએ ગોલ્ડ મેડલ મેળવ્યો સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપમાં

ગુજરાતે સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં છેલ્લા ૪૭ વર્ષમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો

સાણંદ, દિલ્હી ખાતે યોજાઈ રહેલી ૩૬મી સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પીયનશીપમાં ગુજરાતના પાટણ જિલ્લાના સુજનીપુર ગામના ખેડૂતની પુત્રી મિતવા ચૌધરીએ ઐતિહાસિક પ્રદર્શન કરતા સિનિયર નેશનલમાં બહેનોની ઈપી વ્યક્તિગત ઈવેન્ટમાં ગુજરાત માટે ઐતિહાસિક પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.

તા.૧પ થી ૧૯ નવેમ્બર દરમિયાન કે.ડી. જાદવ ઈન્ડોર સ્ટેડીયમ, દિલ્હી ખાતે યોજાઈ રહેલી ૩૬મી સિનિયર નેશનલ ફેન્સીંગ ચેમ્પિયનશીપમાં બહેનોની ઈપી વ્યક્તિગત ઈવેન્ટમાં ગુજરાતની મિતવા ચૌધરીએ ઐતિહાસિક પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

જેમાં મિતવાએ મનસ્વી- આન્ધ્રપ્રદેશને ૧પ-૧૧, ગુંજન- ચંદીગઢને ૧પ-૦૧ અને મણીપુરની સ્ટેલા દેવીને ૧પ-૧૧ થી માત આપી સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિફાઈનલમાં ગતવર્ષની ચેમ્પિયન હરીયાણાની તનીષ્કા ખત્રીને ૧પ-૧૧થી માત આપી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જયા પંજાબની એના અરોરાને ૧પ-૧૩થી હરાવી ગુજરાત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે ગુજરાતે સિનિયર નેશનલ ફેન્સીંગ ચેÂમ્પયનશીપમાં છેલ્લા ૪૭ વર્ષમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

મિતવા ચૌધરી મુળ પાટણ જિલ્લાના સુજનીપુર ગામના વ્યવસાયે ખેડુત જેસંગભાઈની દિકરી છે. તેણે ફેન્સીંગ રમતની શરૂઆત જે.એમ.ચૌધરી સાર્વજનીક કન્યા વિદ્યાલય, સેકટર-૭, ગાંધીનગર ખાતે કોચ અને મેન્ટર ભરતજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરી હતી. વર્ષ ર૦૧૭માં મિતવા ગુજરાત સરકારની ફેન્સીંગ એકેડેમીમાં પસંદગી પામી જયાં અસ.એ.જી. ફેન્સીંગ કોચ રોશન થાપા પાસે તાલીમ મેળવી હતી.

અત્યાર સુધી મિતવાએ ૭ નેશનલ મેડલ જીત્યા છે અને પ વખત દેશનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કર્યું છે. હાલમાં ભારત સરકારની ખેલો ઈન્ડિયા યોજના હેઠળ અમદાવાદમાં વિજયી ભારત ફાઉન્ડેશન ખાતે કોચ યજ્ઞેશ પટેલ અને મેન્ટર ભરતજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહી છે.

ગુજરાતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર મિતવા ચૌધરીને એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી અને મંત્રી ભરતજી ઠાકોરે અભિનંદન પાઠવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.