Western Times News

Gujarati News

SG હાઇવે અને SP રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, ટ્રાફિક ભારણ ઘટશે

Google Maps

મ્યુનિ. કમિશનરે દક્ષિણ–પશ્ચિમ ઝોનમાં નવા બની રહેલા ૩૦ મીટર પહોળાઈ ના રોડ સરફેસિંગનું નિરીક્ષણ કર્યું -નવો ૩૦ મીટર પહોળાઈનો માર્ગ તૈયાર થતા એસ.જી. હાઇવે અને એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, તેમજ એસ.જી. હાઇવે પરનું ટ્રાફિક ભારણ ઘટશે

અમદાવાદ (પ્રતિનિધિ ) અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં, એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા ૩૦ મીટર પહોળા નવા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.

હોટ મિક્સ રોડ વર્કની કામગીરી દરમિયાન કમિશનર દ્વારા સેન્સર પેવરથી રોડના યોગ્ય કેમ્બરની તપાસ, હોટ મિક્સ મટિરિયલનું માનક તાપમાન જળવાય છે કે નહીં તેની ચકાસણી, તેમજ અન્ય મહત્વના ટેક્નિકલ પરિબળોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કમિશનરે સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓને માર્ગના કામો દિવસ અને રાત્રિ ચાલુ રાખવા તેમજ ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. હાલમાં એએમસી વિસ્તારમાં ૧૩ પ્લાન્ટ દિવસ-રાત કાર્યરત છે. એટલું જ નહીં દરરોજ સરેરાશ ૬૫૦૦ થી ૭૦૦૦ મેટ્રિક ટન રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરે તમામ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના ઇજનેરો સાથે બેઠક કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ બાકી છે ત્યાં ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. જે પણ રોડ પર ખાડા પડ્‌યા છે અથવા રીસરફેસ કરવાની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક રીસરફેસ કરવા માટે જણાવ્યું હતું.

આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધીમાં બાકી ૨૦૦ જેટલા રોડ પુરા કરવા માટે જણાવ્યું છે અત્યાર સુધીમાં ૩૨ જેટલા રોડની કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં અમદાવાદ શહેરમાં ૧૩ પ્લાન્ટ દિવસ-રાત કાર્યરત છે. એટલું જ નહીં દરરોજ સરેરાશ ૬૫૦૦થી ૭૦૦૦ મેટ્રિક ટન રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે.

મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કરેલા એસજી હાઇવે પર એસપી ઓફિસની સામેથી સરદાર પટેલ રિંગ રોડ તરફ જવા માટેનો નવો ૩૦ મીટરનો રોડ તૈયાર થતા એસ.જી. હાઇવે અને એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે,

તેમજ એસ.જી. હાઇવે પરનું ટ્રાફિક ભારણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે રોડ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખ, સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલા અને રોડ પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સિટી ઇજનેર પ્રણય શાહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવો ૩૦ મીટરનો માર્ગ તૈયાર થતા એસ.જી. હાઇવે અને એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, તેમજ એસ.જી. હાઇવે પરનું ટ્રાફિક ભારણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.