Western Times News

Gujarati News

એસએસ રાજામૌલી ભગવાન હનુમાન પર ટિપ્પણી કરી મુશ્કેલીમાં મુકાયા

હૈદરાબાદ, આરઆરઆર અને “બાહુબલી” જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે વિશ્વભરમાં જાણીતા દિગ્દર્શક એસએસ રાજામૌલી તાજેતરમાં સમાચારમાં છે. હૈદરાબાદમાં તેમની નવી ફિલ્મ “વારાણસી”ની ઇવેન્ટ દરમિયાન એસએસ રાજામૌલીએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો છે.

મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા જોનાસ અને પૃથ્વીરાજ સુકુમારન અભિનીત ફિલ્મનું પહેલું ટીઝર ૧૫ નવેમ્બરના રોજ આ કાર્યક્રમમાં રિલીઝ થયું હતું. આ દરમ્યાન રાજામૌલીના નિવેદનથી દર્શકો ગુસ્સે થયા છે અને દિગ્દર્શકની જોરદાર ટીકા થઈ રહી છે. રાજામૌલીનું નિવેદન તેમને ભારે પડ્યું છે, અને તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

લોકોનું કહેવું છે કે તેમણે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.ભગવાન વિશે રાજામૌલીની ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ઘણા લોકોએ કહ્યું હતું કે તેનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

આજે વાનર સેના સંગઠને સરૂરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ નિર્માતાએ ભગવાન હનુમાન વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ ઊભો કર્યાે છે. પોલીસે જણાવ્યું કે હજુ સુધી કેસ નોંધ્યો નથી, પરંતુ ફરિયાદ મળ્યા બાદ તપાસ ચાલી રહી છે.રાજામૌલીની આ ટિપ્પણી એવા સમયે આવી હતી જ્યારે શોમાં ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હતી.

તેમણે કહ્યું, “હું ભગવાનમાં બહુ માનતો નથી. મારા પિતાએ કહ્યું હતું કે ભગવાન હનુમાન મારી સમસ્યાઓનું નિરાકરણ લાવશે, પણ જ્યારે આ સમસ્યા ઊભી થઈ, ત્યારે મેં ગુસ્સામાં કહ્યું, “શું તે આ રીતે મદદ કરે છે?મારી પત્ની હનુમાનને મિત્ર માને છે, પણ તે ક્ષણે, મેં કાબૂ ગુમાવી દીધો.

“વિડંબના એ છે કે, ટેકનિકલ સમસ્યાઓના કારણે મોડી રિલીઝ થયેલી ફિલ્મ વારાણસીના ટીઝરમાં ત્રેતાયુગથી પ્રેરિત એક દ્રશ્યમાં ભગવાન હનુમાનની એક નાની ઝલક બતાવવામાં આવી છે. આ ફિલ્મ એક સાહસિક ફિલ્મ હોવાનું કહેવાય છે, જે પૌરાણિક કથાઓને આધુનિક સ્ટોરી સાથે જોડે છે અને પ્રાચીન કાળના છુપાયેલા ખજાનાને શોધે છે.

હજારો ચાહકોની હાજરીમાં આયોજિત આ ‘ગ્લોબ ટ્રોટર’ કાર્યક્રમમાં મહેશ બાબુનો ફર્સ્ટ લુક અને ફિલ્મનું શીર્ષક પણ રજૂ કરવામાં આવ્યું. ‘વારાણસી’માં પ્રિયંકા ચોપરા “મંદાકિની” અને પૃથ્વીરાજ સુકુમારન “કુંભા” તરીકે જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૭માં સંક્રાંતિ પર રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.