ગુજરાતમાં રોડની ખરાબ ગુણવત્તા જોઈ મુખ્યમંત્રી ભડક્યા: મંત્રીઓને આપ્યો કડક આદેશ
File Photo
તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી.
ગાંધીનગર, રાજ્યમાં રસ્તાઓની બગડેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી અત્યંત ગંભીર બની ગયા છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને કડક સૂચનાઓ આપી છે કે રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહી આવે.
ખાસ કરીને તાજેતરમાં બનેલા નવા રસ્તાઓ જો ઓછા સમયમાં તૂટી ગયા હોય અથવા નુકસાન પામ્યા હોય તો તેમના જવાબદાર કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને સંબંધિત સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માર્ગોની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. પોતાના પ્રભારી જિલ્લામાં થયેલી સમીક્ષા બેઠક અને સ્થળ-સ્થિતિનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી.
નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવા માટે સૂચના આપી હતી. તે અંગે થયેલી કામગીરીની સમીક્ષા આજની રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.
તમામ પ્રભારી મંત્રીઓ દ્વારા તેમના પ્રભારી વિસ્તારમાં સ્થળ ચકાસણી અને સમીક્ષા બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. તેનો વિગતવાર અહેવાલ તા. ૩૦ નવેમ્બર સુધીમાં રજૂ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. જે અનુસંધાને માર્ગોની સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ મંત્રીઓને સ્પષ્ટ કર્યું છે કે તેમના પ્રભારી જિલ્લા તેમજ પોતાના મતવિસ્તારમાં રસ્તાના કામની?? તપાસ કરવી ફરજિયાત છે.
તેમણે કહ્યું કે મંત્રીઓએ સ્થાનિક પ્રશાસન સાથે મળી કામગીરી વધુ સક્રિય કરવી જોઈએ જેથી માર્ગોની ગુણવત્તા પર સતત નજર રાખી શકાય. જો કોઈ સ્થળ પર ગંભીર બેદરકારી અથવા નિષ્કાળજી જોવા મળે તો માત્ર વહીવટી પગલાં જ નહીં, પરંતુ પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની રહેશે.
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકાર ગુણવત્તાસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રતિબદ્ધ છે અને આ મામલામાં કોઈપણ પ્રકારનું સમાધાન ચાલશે નહીં. રસ્તાના કામમાં જોડાયેલા જવાબદાર વિભાગો માટે સૂચના આપવામાં આવી છે કે તેઓ ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયા વધુ કડક બનાવે અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત બનાવે. નિષ્કાળજી સાબિત થવા પર ખાતાકીય કાર્યવાહી પણ તાત્કાલિકરૂપે શરૂ કરાશે.
આ સમગ્ર સૂચનાઓનો હેતુ એ છે કે રાજ્યના તમામ નાગરિકોને સુરક્ષિત અને મજબૂત રોડ સુવિધા મળી રહે. ઝડપી વિકાસ માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમનાં આ કડક માર્ગદર્શન બાદ હવે વિભાગોમાં પણ ચકાસણી અને કામગીરીની ગતિ તેજ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
