અમદાવાદની ૧૪૦થી વધુ સ્કૂલો ઓડિટ નહીં કરાવે તો ગ્રાન્ટ અટકાવાશે
પ્રતિકાત્મક
સ્કૂલોના ખાતાકીય ઓડિટને લઈને ૨૯ નવેમ્બર સુધી મુદત લંબાવવામાં આવી
(એજન્સી)અમદાવાદ, શહેરની સ્કૂલ ખાતાકીય ઓડિટમાં ઉદાસીનતા દાખવી રહી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરની ૧૯૫ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનું ૨૦૨૨-૨૩ સુધીનું ઓડીટ બાકી હોવાથી શહેર DEO દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જોકે, કેમ્પમાં પણ માત્ર ૨૦થી ૨૨ જેટલી સ્કૂલોએ જ ઓડીટ કરાવવાની તસ્દી લીધી હતી. જ્યારે ૧૪૦ કરતા વધુ સ્કૂલોએ ઓડીટ કરાવ્યું ન હતું. આમ, અનેક સ્કૂલનું ઓડીટ બાકી રહેતા ૨૯ નવેમ્બર સુધી તારીખ લંબાવવામાં આવી છે.
જેથી બાકી રહેલી સ્કૂલો માટે કેમ્પનું આયોજન કરાશે. આ કેમ્પમાં હાજર ન રહેનારી સ્કૂલોની ગ્રાન્ટ અટકાવવાની ચિમકી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ૨૦૨૨-૨૩ સુધીનું ખાતાકીય ઓડીટ ૧૩ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ, ઓડીટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યા બાદ પણ શહેરની ૧૪૦ કરતા વધુ સ્કૂલોએ ખાતાકીય ઓડિટ કરાવ્યું જ ન હોવાની વિગતો સામે આવી હતી. આમ, હજુ અનેક સ્કૂલોનું ઓડિટ બાકી હોવાનું જણાતા ઓડિટ માટેની મુદ્દત ૨૯ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેથી હવે બાકી રહેલી તમામ સ્કૂલોએ આ નક્કી કરેલી સમયમર્યાદામાં ઓડિટ કરાવવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે
.અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે પણ શાળાનું ઓડીટ બાકી હશે તેમની નિભાવ ગ્રાન્ટ સ્થગિત કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઉપરાંત ગ્રાન્ટ ઈન કોડની જોગવાઈ અન્વયે પગાર ભથ્થાની ગ્રાન્ટ પણ અટકાવવામાં આવશે અને પગાર ભથ્થાનું ચુકવણું શાળા ટ્રસ્ટ મંડળે કરવાનું રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે.
