તિરંગા યાત્રા બાદ BJPના નેતાનું હાર્ટ એટેકથી નિધન
(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને એપીએમસીના ચેરમેન મુકેશ પટેલનું બુધવારે હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે નગરમાં આયોજિત તિરંગા યાત્રાના સમાપન સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
તેમના આકસ્મિક નિધનથી સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી ફરી વળી છે. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર નગરના ઝંડા ચોકથી ઘેલવાંટ સુધી ૬ કિલોમીટરની તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપના પૂર્વ મહામંત્રી અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ એવા મુકેશ પટેલ પણ આ પદયાત્રામાં પૂરા ઉત્સાહ સાથે જોડાયા હતા. યાત્રા ઘેલવાંટ ખાતે પૂર્ણ થઈ, તે સમયે જ મુકેશ પટેલની તબિયત અચાનક લથડી હતી.
તેમને તાત્કાલિક છોટાઉદેપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક તારણ મુજબ, મુકેશ પટેલને હાઈ ડાયાબિટીસ હતો અને પદયાત્રામાં વધુ પડતું ચાલવાને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.
મુકેશ પટેલ છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં એક મોટું નામ હતું. તેઓ હાલમાં છઁસ્ઝ્રના ચેરમેન તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળમાં જિલ્લા મહામંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા હતા અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ પણ હતા.
મુકેશ પટેલના નિધનના સમાચાર મળતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો અને ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
