લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને ભારત લવાયો
(એજન્સી)નવી દિલ્હી, બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ અને બાબા સિદ્દીકી હત્યા કાંડના આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે.
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે અને આજે તે દિલ્હી એરપોર્ટ પહોંચ્યો, જ્યાં એનઆઈએએ તેની ધરપકડ કરી છે. તેની સાથે અન્ય ડિપોર્ટ કરાયેલા લોકોને પણ આ ફ્લાઇટ દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. અમેરિકામાં રહેતો અનમોલ બિશ્નોઈ ૨૦૨૨ થી ફરાર છે. તે તેના જેલમાં બંધ ભાઈ લોરેન્સ બિશ્નોઈ દ્વારા સંચાલિત આતંકવાદી સિન્ડિકેટમાં ૧૯મો આરોપી છે.
એનઆઈએએ માર્ચ ૨૦૨૩ માં તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. એનઆઈએની તપાસ મુજબ, અનમોલે ૨૦૨૦ થી ૨૦૨૩ વચ્ચે અનેક આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈને સીધી મદદ કરી હતી.
તે ભારતમાં વિવિધ ઘટનાઓના આયોજનમાં સામેલ હતો અને કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અનમોલે યુએસમાંથી બિશ્નોઈ ગેંગના નેટવર્કનું સંચાલન કર્યું હતું. તે ગેંગના શૂટર્સ અને ગ્રાઉન્ડ ઓપરેટિવ્સને નિર્દેશિત કરતો હતો, તેમને આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડતો હતો.
