અમરેલીના લીલીયામાં તસ્કરોએ તરખાટ: દાનપેટી ઉઠાવીને ફરાર
પ્રતિકાત્મક
આ તસ્કરો મંદિરના તાળા તોડીને રોકડ રકમ તેમજ દાનપેટી ઉઠાવીને ફરાર થયા હતા
અમરેલી, અમરેલી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે. અમરેલીના લીલીયામાં તસ્કરોનો ત્રાટક્્યા હતા. આ તસ્કરોએ સુપ્રસિદ્ધ અંટાળેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી હતી. આ તસ્કરોએ ૫ મંદિરોમાં ચોરી કરી છે. આ તસ્કરો મંદિરોમાંથી દાનપેટી ઉઠાવી પલાયન થઈ ગયા હતા. આ તસ્કરો મંદિરના તાળા તોડીને રોકડ રકમ તેમજ દાનપેટી ઉઠાવીને ફરાર થયા હતા. આ સમગ્ર ચોરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
અમરેલીના લીલીયામાં તસ્કરોએ તરખાટ મચાવતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના ૧૭ નવેમ્બરની મોડી રાત્રે અમરેલી જિલ્લા સહિત સુપ્રસિદ્ધ અંટાળેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. લીલીયાના અંટાળીયા મહાદેવ મંદિર સહિત અન્ય ૫ મંદિરોમાં તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
પ્રેમ સાહેબ આશ્રમ અને અન્ય બે ખોડિયાર માતાજીના મઢમાં પણ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ સાથે ગત મોડી રાત્રે લીલીયાના અંટાળીયા અને જાત્રુડા ગામના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે.
આ ઉપરાંત અંટાળીયા ગામે લાઠીયા પરિવારના મઢે દાનપેટીની રોકડ રકમ અને સોનાના છતર ગયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ તસ્કરો મંદિરોની દાનપેટી ઉઠાવી જઈ અંટાળીયા ગામની બહાર દાનપેટી તોડી રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટનાઓમાં કુલ ૨૯ હજારની રોકડ દાનપેટીમાંથી ચોરી થયાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ઘટનાની જાણ કરતા એલસીબી અને લીલીયા તાલુકા પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મંદિરો સહિત આસપાસના ગામોના સીસીટીવી કેમેરા દ્વારા તસ્કરોની શોધ કરવામાં આવી રહી છે. જેમાં જાત્રુડા અને અંટાળીયા મંદિરે અજાણ્યા ચાર યુવકો સીસીટીવીમાં કેદ થયા છે. શિળાયાની શરૂઆતમાં જ ચોરીની ઘટનાઓ વધી રહી છે. જે કારણે હાલ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
