NH47 અને NH147 પર ફોરલેન ઓવરબ્રીજ પર મરામત અને સફાઈ કામગીરી પૂર્ણ કરવા કામગીરી હાથ ધરાઈ
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનચાલકોની સલામતી અને સુગમતાના કાર્યો તાકીદે પૂર્ણ કરવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ વિભાગની સતત કામગીરી
અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની તથા મુસાફરોની સુવિધા અને સલામતીના કામો ઝડપથી પૂર્ણ કરવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે.
અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭ પર સરખેજ ઉજાલા સેક્શનમાં વાહનચાલકોની સલામતી અને સુગમતાના હેતુથી ૪ માર્ગીય ઓવરબ્રીજ પર મરામતની કામગીરી તથા સફાઈની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ચિલોડા ગાંધીનગર સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૭ પર રૂ. ૮૧.૬૮ કરોડના ખર્ચે મંજુર થયેલ કામો પૈકી નર્મદા કેનાલ પર હયાત બ્રીજ પર થતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ નવીન ફોર લેન બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૪૭ પર છારોડી ગામ પાસે ગ્રેડ સેપરેટર બનાવવાની કામગીરી તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ડામરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
બોડેલી -ભિલોડા -શામળાજી રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૬૮ જી પર અપગ્રેડેશન તથા મજબૂતીકરણ અંતર્ગત યુદ્ધના ધોરણે ડામરકામની કામગીરી પ્રગતિમાન છે.
એ જ રીતે, ગુજરાત બોર્ડર આંતરસુબા વડાલી ધરોઈ સતલાસણા ખેરાલુ પાલનપુર રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૮ પર ખેરાલુ પાલનપુર સેક્શન રસ્તાની સપાટીને થયેલ નુકશાન અન્વયે તથા વાહનચાલકોની સલામતી અને સુગમતાના હેતુથી ડામરના પેવર પટ્ટા, સાઈડ શોલ્ડર, રસ્તાની સફાઈ, જંગલ કટીંગ, રોડ ફર્નીશિંગ આઈટમની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
નેશનલ હાઇવે NH47, NH147 અને NH58 પર અલગ-અલગ વિસ્તારોમાં વરસાદથી પ્રભાવિત તેમજ અન્ય કારણોસર ક્ષતિ પામેલા તેમજ નિર્માણ હેઠળ રહેલા માર્ગો અને ઓવરબ્રીજ પર પેચવર્ક અને મરામતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.
