Western Times News

Gujarati News

નક્ટો, કુંજ, નાની મુરધાબી, ચેતવા, ચંચળ, પાન, પટ્ટાઈ પ્રજાતિના પક્ષીઓ જોવા હોય તો પહોંચી જાવ ખિજડીયા

૬૦૫ હેક્ટરમાં ફેલાયેલા ખીજડિયામાં 200થી વધુ પ્રજાતિના પક્ષીઓનું આગમન

હાલ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં સ્થાનિકો ઉપરાંત કાળી પુંછ ગડેરો, નક્ટો, કુંજ, નાની મુરધાબી, ચેતવા, ચંચળ, પાન, પટ્ટાઈ જેવા ૨૦૦થી વધુ પ્રજાતિના પક્ષીનું આગમન થઈ ગયું છે.

જામનગર, જામનગર જિલ્લામાં આવેલા પક્ષી અભ્યારણ્યમાં ઠંડીના પગરવ સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન થવા લાગ્યું છે, ૨૦૦થી વધુ પ્રજાતિના પક્ષીઓ આવી ગયા છે. સાથે જ દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. જામનગરથી નજીક આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેના વૈવિધ્યસભર પક્ષઓને કારણે સમગ્ર ભારતમાં તે આવું સ્થાન ધરાવે છે.

દર વર્ષે અહીં ૨૫૦થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓ શિયાળામાં મહેમાન બને છે. હાલ જામનગરમાં છેલ્લા અઠવાડીયાથી ઠંડીના ધીમે ધીમે પગરવ થઈ રહ્યો છે. ત્યાં જ વિદેશી પક્ષીઓનું મોટા પ્રમાણમાં આગમન થયું છે. હાલ ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં સ્થાનિકો ઉપરાંત કાળી પુંછ ગડેરો, નક્ટો, કુંજ, નાની મુરધાબી, ચેતવા, ચંચળ, પાન, પટ્ટાઈ જેવા ૨૦૦થી વધુ પ્રજાતિના પક્ષીનું આગમન થઈ ગયું છે.

ખીજડીયા પક્ષી અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું છે કે, પ્રવાસીઓ માટે ગત તા.૧૮ ઓક્ટોબરથી ખુલ્લુ મુકાયું છે. દૈનિક મોટી સંખ્યામાં પ્રવાસીઓ પક્ષી અભ્યારણ્યની મુલાકાતે આવી રહ્યા છે. હજુ થોડી ઠંડી વધશે એટલે વિદેશી ૩૫૦ જેટલી પ્રજાતિના પક્ષીઓ લાખોની સંખ્યામાં આવશે. દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ જામનગરના મહેમાનો બને છે.

પ્રકૃતિ શિક્ષણ શિબિરોના આયોજન માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય સુંદર સ્થળ છે. શહેરની નજીક હોવાને કારણે પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરવું અનુકૂળ રહે છે. આ અભયારણ્યમાંથી વિવિધ જૈવિક પ્રણાલિઓને લઈને અહીં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું વિપુલ વૈવિધ્ય જોવા મળે છે. જેથી પ્રકૃતિના વિવિધ પાસાઓને શિખવા માટેનું આદર્શ સ્થળ બની રહે છે. અહીં વિકસાવાયેલી પ્રાકૃતિક પગદંડીઓ પર પર્યાવરણ અંગેની માહિતી મળે છે. સંશોધકોને પણ ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ભરપુર અવસર પુરા પાડે છે.

ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દર વર્ષે રાજ્યભરની શાળાઓ પ્રકૃતિ શિક્ષણ શિબિર માટે આવે છે. આ માટે પ્રથમ અભયારણ્ય ખાતે અરજી કરવાની હોય છે. બાદ અભ્યારણ્ય ખાતેની મંજૂરી આપીને જે તે શાળાને જાણ કરીને મંજૂરી અપાય છે. હાલ શિક્ષણ શિબિર કેમ્પ માટેની અરજીઓ સ્વીકારવાની સાથે-સાથે મંજૂરી આપવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.