દેવગઢ બારિયાના અર્શીલ મકરાણીની ટેક્વોન્ડોમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
(પ્રતિનિધિ) દેવગઢ બારીયા, એસજીએફઆઈ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ટેક્વોન્ડો ચેમ્પિયનશિપમાં દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થી અર્શીલ ઈરફાનભાઈ મકરાણીએ ઉત્તમ પ્રદર્શન કરતા પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ જીતવાનો ઐતિહાસિક સરવાળો કર્યો છે.
અર્શીલની શિસ્ત, સતત મહેનત અને રમત પ્રત્યેના સમર્પણના પરિણામ રૂપે આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજ્યકક્ષાની કઠોર સ્પર્ધામાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને પાછળ રાખીને ગોલ્ડ મેડલ મેળવવો દેવગઢ બારિયા અને દાહોદ જિલ્લાના માટે ગૌરવની બાબત ગણાય છે.
આ સિદ્ધિ સાથે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે-સાથ દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો અને સમગ્ર ગુજરાતનું નામ ઉજ્જવલ થયું છે. હાલમાં અર્શીલ મકરાણી સુરત ખાતે નેશનલ લેવલની તૈયારી માટેના વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેમને ઉચ્ચ કક્ષાની ટેક્નિકલ માર્ગદર્શન અને પ્રોફેશનલ કોચિંગ મળી રહ્યું છે. તાલીમ પૂર્ણ થયા બાદ અર્શીલ અરુણાચલ પ્રદેશ ખાતે યોજાનારી ખેલો ઇન્ડિયા નેશનલ ટેક્વોન્ડો સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
