સફળતાની સીડીઓ ચઢતી લાલો ફિલ્મ માટે લોકચાહના
મુંબઈ, લાલો ફિલ્મની સફળતાના સોપાન ચઢી રહ્યું છે, ફિલ્મની સફળતાના પડઘમ માત્ર દેશ નહીં પરંતુ વિદેશમાં પણ વાગી રહ્યા છે. ફિલ્મ જગતના પંડીતોને પણ નવાઈ લગાડે તેવી કમાણી આ ફિલ્મ દ્વારા થઈ રહી છે.
આ ફિલ્મ જોવા માટે તમામ ઉંમરના લોકો થિયેટર સુધી પહોંચી રહ્યા છે. જેમાં વિજાપુરનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ટ્રક ભરીને ગામના લોકો ભેગા થઈને ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા.
કડકડતી ઠંડી વચ્ચે ગામના લોકો એકઠા થઈને લાલો-કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ નિહાળી હતી. ફિલ્મ પ્રત્યેનો લોક પ્રેમ સતત વધી રહ્યો છે, જેની સાથે ફિલ્મની કમાણીનો આંકડો પણ એક નવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો છે. લાખો રૂપિયામાં બનેલી ફિલ્મ કરોડોનો વરસાદ કરી રહી છે. જેને ફિલ્મના ડિરેક્ટર તથા કલાકારો અને ટીમ કૃષ્ણની કૃપા ગણાવી રહ્યા છે.
ગુજરાતી ફિલ્મ લાલોએ એવી છાપ છોડી છે કે થિયેટરોથી લઈને ઘેર-ઘેર તેની ચર્ચા થઈ રહી છે, વિજાપુરના લાડોલ ગામની ઘટના સામે આવી રહી છે, જેમાં ગામના લોકો એકઠા થઈને આઈસર ટ્રકમાં રાતનો શો જોવા માટે નીકળ્યા હતા. લાડોલ ગામના લોકો એકઠા થઈને લગભગ સાડા ૭ કિલોમીટરનો રસ્તો કાપીને રાતના સમયે આ ફિલ્મ જોવા માટે વિજાપુર પહોંચ્યા હતા.
આ આઈસર ટ્રકમાં ૬૦થી ૬૫ જેટલા લોકો હતા, જેમાં મહિલાઓ અને પુરુષો તથા બાળકોનો પણ સમાવેશ થતો હતો. એક તરફ ગાત્રો થીજવતી ઠંડી હતી છતાં લોકો ખુલ્લા ટ્રકમાં ધાબળા ઓઢીને ફિલ્મ જોવા જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રકમાં સવાર લોકોમાં ફિલ્મને લઈને ગજબનો ઉત્સાહ પણ તેમના ચહેરા પર સાફ પ્રતિત થઈ રહ્યો છે.
આ ફિલ્મની કહાની એક નાનકડા પરિવાર પર આધારીત છે, જેમાં એક યુવક રૂપિયાની લાલચમાં એવો ફસાય છે કે તે પોતાના ઘરે કઈ રીતે જશે તે પણ તેને સમજાતું નથી, આવામાં એક યુવક કૃષ્ણના અવતારમાં તેની મદદે પહોંચે છે જેને તેણે જૂનાગઢ શહેરના દર્શન કરાવ્યા હતા.
આ ફિલ્મની કહાની સામાન્ય છે પરંતુ તે લોકોના હૃદયને સ્પર્શી રહી છે, ફિલ્મની કહાની લોકોને ગમવાની સાથે તેમને સીધી રીતે સ્પર્શી પણ રહી છે, જેમાં લોકો પોતાની ખરાબ આદતો છોડવા માટે પણ પ્રેરાઈ રહ્યા છે. આ ફિલ્મની કથા એક રોચક છે કે તેના ડિરેક્ટર, કલાકારો અને ટીમને પણ કેટલાક ચમત્કાર જોવા મળી રહ્યા છે.
લાલો ફિલ્મ એક કરોડની અંદર બની છે પરંતુ તેની કમાણીએ લોકોને અચંબિત કરી દીધા છે. સેક્નીલ્કના આંકડા પ્રમાણે ૪૧ દિવસના અંતે આ ફિલ્મે દુનિયાભરમાંથી ૭૨ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જ્યારે ભારતમાંથી ફિલ્મને થયેલી કુલ કમાણીનો આંક ૬૦ કરોડને આંબી ગયો છે.
ફિલ્મ સાથે જોડાયેલા લોકો પણ તેમને જે દર્શકો તરફથી પ્રેમ મળી રહ્યો છે અને લાલો ફિલ્મની સમાજ પર જે અસર થઈ રહી છે તેનાથી ખુશ છે.SS1MS
