અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહા સંઘની મૃતક શિક્ષકના પરિવારને 1 કરોડની સહાય આપવાની માંગ
એસઆઈઆરની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા -સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ
(એજન્સી)કોડીનાર, કોડીનારના બીએલઓ શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એસઆઈઆર કામગીરીના દબાણથી માનસિક તણાવ આપઘાત કરી મોત વ્હાલુ કર્યું. તેમણે સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે, છેલ્લા કેટલાય દિવસથી સતત થાક અને તણાવ અનુભવું છું. તો બીજી તરફ, બીએલઓની કામગીરીથી શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે.
ગીર સોમનાથના કોડીનારનાં દેવળી ગામે રહેતા યુવા શિક્ષકે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. શિક્ષકે મોત પહેલા લખાયેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં જૈિ ની કામગીરીથી ત્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે.
શિક્ષકે આપઘાત કરતા પહેલા પત્નીના નામે હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડી. જેમાં લખ્યું હતું કે, મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે, હું તમને બંનેને ખૂબજ ચાહું છું. પણ હવે હું ખુબ જ મજબુર બની ગયો છું. અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો અહી પડ્યો છે, તેમાં બધી જ કામગીરીનુ સાહિત્ય છે. તે સ્કૂલે આપી દેજે.
I am very Sorry My Dear Wife Sangita and My Loving Dear son Krishay. પરિવાર અને શિક્ષણ સંઘે કહ્યું કે, બી.એલ.ઓ ની કામગીરીને કારણે શિક્ષક ડિપ્રેશનમાં હતા. અનેક શિક્ષકો આવી માનસિક યાતનાઓ ભોગવી રહ્યાં છે. પીડિત પરિવારને એક કરોડ આપવાની માંગ ગીર સોમનાથના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ વિનોદભાઈ બારડ દ્વારા કરવામાં આવી છે .
ચૂંટણી પંચ ના મુખ્ય ચૂંટણી અધિકારી હારીજ શુક્લાએ આ સંદર્ભે કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો. સમગ્ર ઘટનામાં ગીર સોમનાથ એસપી દ્વારા તપાસ ચાલુ હોવાની વાતનું રટણ કર્યું. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચની કામગીરીથી જ કંટાળીને શિક્ષકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે આત્મહત્યા પાછળનું કારણ સ્થાનિક પોલીસ દ્વારા જ કહી શકે છે.
તો આ મુદ્દે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે જણાવ્યું કે, એસઆઈઆરની કામગીરીના દબાણના કારણે શિક્ષકે આત્મહત્યા કરી. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા અઠવાડિયાથી સરકારના ધ્યાનમાં આ બાબત લાવી રહી છે.
૧૫ તારીખે તમામ વિધાનસભા મતવિસ્તારમાં આવેદન આપ્યું છે. શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યાં છે. ખેડા જિલ્લામાં પણ કુટુંબે પણ આક્ષેપ કર્યો છે. આ કામગીરી લઇને શિક્ષક માનસિક સંતુલન અને હતોત્સાહ થઇ ગયો હતો અને આત્મહત્યા તરફ પ્રેરાયો. શિક્ષકના મોતથી એમના કુટુંબને પડેલી ખોટ પૂરી થઇ શકે તેમ નથી.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં બીએલઓની કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું બીએલઓની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘે આક્ષેપ કર્યો છે કે બીએલઓની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ અતિશય માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહા સંઘના પ્રદેશ અધ્યક્ષ મિતેષ ભટ્ટે મૃતક શિક્ષકના પરિવારને રૂ. એક કરોડની સહાય આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મહિલા શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવા અને અન્ય ૧૨ કેડરના કર્મચારીઓને આ કામગીરી સોંપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
આ માત્ર ગુજરાત પૂરતી સીમિત ઘટના નથી. એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન દેશના અન્ય રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં પણ બીએલઓની કામગીરીના ભારણને કારણે આત્મહત્યા કે હાર્ટ એટેકના કિસ્સા નોંધાયા છે.
રાજસ્થાનમાં એક બીએલઓની સુસાઇડ નોટમાં અધિકારીઓ દ્વારા સસ્પેન્ડ કરવાની ધમકીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આ સંપૂર્ણ મામલો દર્શાવે છે કે, બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ હવે શિક્ષકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે અને સરકારે આ મુદ્દે તાત્કાલિક અને કાયમી ધોરણે ઉકેલ લાવવાની જરૂર છે.
