જ્વેલર્સના એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજતાં ગોધરામાં ઘેરા શોકની લાગણી
ગોધરામાં મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના ૪ લોકોના મોત
(એજન્સી)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર-૨ વિસ્તારમાં શુક્રવારે (૨૧ નવેમ્બર) વહેલી સવારે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ, મકાનમાં આગ લાગ્યા બાદ ગૂંગળામણના કારણે દોષી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. જેમની ઓળખ ૫૦ વર્ષીય કમલભાઈ દોષી, ૪૫ વર્ષીય દેવલબેન દોષી, ૨૪ વર્ષીય કમલ દોષી અને ૨૨ વર્ષીય રાજ દોષી તરીકે થઈ છે. મૃતક કમલ દોષી જ્વેલર્સનો વ્યવસાય કરતા હતા. આ કરૂણ ઘટનાથી જૈન સમાજ સહિત સમગ્ર ગોધરા શહેરમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
દુઃખદ વાત એ છે કે, આજે જ મૃતક પુત્ર દેવ કમલ દોષીની સગાઈ માટે આ પરિવારને વાપી જવાનું હતું. પરંતુ સગાઈના પ્રસંગ પહેલા જ આખા પરિવારે અગ્નિકાંડમાં જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી હતી, જ્યારે પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખેસડ્યા છે. જોકે, હજુ સુધી મકાનમાં આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. આગ ઝડપથી ફેલાઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
ગોધરા ફાયર બ્રિગેડ અને પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ હોલવવાની કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક મકાનમાં આગ લાગતા ગુંગરામણને કારણે મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે, જોકે, હાલ આગ લાગવાનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
