એન્જિનિયર સાથે બંગલાના સોદાના નામે રૂ.ર.ર૧ કરોડની છેતરપિંડી
પ્રતિકાત્મક
સુરત, સુરતના ડુમસ રોડ ખાતે રહેતા સોફટવેર એન્જિનિયરને ડુમસના હરીઓમ બંગ્લોઝમાં આવેલો એક બંગલો રૂ.૩.૩૧ કરોડમાં વેચવાનું નક્કી કરી માલિકે સને ર૦ર૪થી અત્યાર સુધીના સમયગાળામાં બેન્ક મારફતે તેમજ રોકડા મળી રૂ.ર.ર૧ કરોડ મેળવી લીધા હતા.
બાદ સોદો કેન્સલ કરી બાકીના રૂપિયા બે દિવસમાં ચૂકવી દેવાનું જણાવી સોફટવેર એન્જિનિયરને દસ્તાવેજ નહીં કરી આપી કે લીધેલી રકમ પરત ન ચૂકવતા આ મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડુમસ રોડ હરીઓમ બંગ્લોઝમાં રહેતા રીશી રાજેશકુમાર કાપડીયા (ઉ.વ.૩૬) સોફટવેર એન્જિનિયર છે. હરીઓમ આવાસમાં આવેલા ૧૯પ અને ૧૯૬ નંબરનો બંગલો તેના માલિક રાજેન્દ્રકુમાર માધવલાલ વખારીયાએ વેચાણ કરવો હોય
સને ર૦ર૪માં રાજેન્દ્રકુમાર વખારીયાએ રીશી કાપડીયાને વાત કરી હતી. રીશી કાપડીયા પાડોશી જ હોય અને તેણે બંગલો ખરીદવાની ઈચ્છા દર્શાવતા રાજેન્દ્રકુમાર રૂ.૩.૩૧ કરોડમાં બંગલો આપવાની વાત કરી બાના પેટે રૂ.૧.૧૦ કરોડ મેળવી લીધા હતા. બાદ બંગ્લાનું પઝેશન આપવામાં આવ્યું હતું.
આ રકમ મેળવી લીધા બાદ એગ્રીમેન્ટ ઓફ સેલ તેમજ દસ્તાવેજ કરી આપવાની વાત કરીને જીતેન્દ્ર વખારીયાએ રોકડ તેમજ બેન્ક મારફતે રીશી કાપડીયા પાસેથી ટુકડે ટુકડે કરીને કુલ રૂ.ર.ર૧ કરોડ મેળવી લીધા હતા. જ્યારે દસ્તાવેજ કરવાની તારીખ આવી ત્યારે જ રાજેન્દ્રકુમારે આપણો સોદો કેન્સલ કરવો પડશે
તેમ કહી લીધેલી રકમ બે દિવસમાં ચૂકવી દેવાનું જણાવી રીશી કાપડીયાને વાયદા આપ્યા હતા. દસ્તાવેજ નહીં કરી આપી તેમજ લીધેલી રકમ પરત નહીં ચૂકવી સમય પસાર કરવામાં આવતો હોય અંતે આ બાબતે ગત રોશ રીશી કાપડીયાએ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
