ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં ૧૪ સિનિયર હોસ્ટેલમાંથી સસ્પેન્ડ
પ્રતિકાત્મક
GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે મોટી કાર્યવાહી કરાઈ
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા ૧૪ સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે. જુનિયર વિદ્યાર્થીઓ પાસે ‘ઇન્ટ્રો’ કરાવી માનસિક ટોર્ચર કરતા હતા. સેકન્ડ વર્ષમાં વિધાર્થીઓને ૬ મહિના માટે, જ્યારે થર્ડ યરના વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે હોસ્ટેલમાંથી રસ્ટીકેટ કરાયા છે.
જીએમઇઆરએસ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી ‘ઇન્ટ્રો’ આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરતા હતા.
પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ સત્તાધિશોએ તપાસ શરૂ કરી હતી. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનારા ૧૪ સિનિયરો હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે.
બોયઝ હોસ્ટેલમાંથી ૬ માસથી લઈને બે વર્ષ સુધીના સમયગાળા માટે સત્તાધીશોએ સસ્પેન્ડ કરી સંતોષ માન્યો હતો. આ માટે સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે નરમનીતિ અપનાવાઈ છે. ૧૪ વિધાર્થીના પરિવારને બોલાવીને પણ જાણ કરવામાં આવી છે.
આ વિશે ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગીંગ મામલે સંસદ સભ્ય દિનેશ મકવાણાએ વિદ્યાર્થીઓએ રેગિંગ ન કરવા સલાહ આપી છે. સાથે જ તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓએ રેગિંગ ઉપર ધ્યાન ના આપી ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાથી અન્ય વિદ્યાર્થી અને લોકોમાં અલગ મેસેજ જાય જે ન કરવું જોઈએ.
