Western Times News

Gujarati News

11 દિવસમાં 8.21 લાખથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં

સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘બેરિસ્ટર મિસ્ટર પટેલ’ સહિત અનેક પુસ્તકોનું લોન્ચિંગ પણ થયું હતું. 

અમદાવાદ (પ્રતિનિધિ) સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર સુધી યોજાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025એ આ વખતે લોકપ્રિયતાનો નવો ઇતિહાસ રચ્યો છે.

‘વાંચે ગુજરાત 2.0’ અભિયાન સાથે જોડાયેલ આ 11-દિવસીય મહોત્સવમાં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ હાજરી આપી, જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું 13 નવેમ્બરે મુખ્યમંત્રી શ્રી  ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું હતું.  વંદે માતરમના સમૂહગાન અને સ્વદેશી પ્રચાર પ્રતિજ્ઞાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘બેરિસ્ટર મિસ્ટર પટેલ’ સહિત અનેક પુસ્તકોનું લોન્ચિંગ પણ થયું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલ આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો.  શહેરના દરેક વય જૂથ માટે ત્રણ વિશિષ્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમાં બાળ સાહિત્ય, સર્જનાત્મક સત્રો, કાવ્ય-વાચન, લેખકો સાથેની ચર્ચાઓ, વર્કશોપ્સ અને ફિલ્મ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રેક્ષકોને આકર્ષિત કરતી રહી હતી.

આ બુક ફેસ્ટિવલમાં બાળકોના વર્કશોપ્સ, વાર્તાવાચન કાર્યક્રમો, કલા-હસ્તકલા, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલે વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. સ્કૂલ બોર્ડના શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

યુવાનો માટેના ‘જ્ઞાન ગંગા’ વર્કશોપ્સે પણ મહોત્સવની ધમાકેદાર સફળતામાં મોટો ફાળો આપ્યો હતો.  કાવ્ય લેખન, નાટક, ફિલ્મ સ્ક્રિપ્ટિંગ અને બુક ડિઝાઇન સહિતના સર્જનાત્મક વર્કશોપ્સ અને વિવિધ બુક લોન્ચ સત્રોએ વિદ્યાર્થીઓ, લેખકો અને સર્જકોને એકસાથે લાવ્યા હતા.

આ ઉપરાંત વિદેશી વક્તાઓની હાજરીએ મહોત્સવને વૈશ્વિક સ્પર્શ આપ્યો હતો. ચિલે, સ્પેન, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા વિચારકોએ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે સંબંધિત વિષયો પર વિશેષ સત્રો લીધા હતા. એટલું જ નહીં મેઇન સ્ટેજ પર દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યો હતો.

આ મહોત્સવનું આયોજન સુવ્યવસ્થિતતા અને સુવિધાઓને કારણે પણ ખૂબ વખાણાયુ હતું. સ્વચ્છ કેમ્પસ, વિશાળ ફૂડ કોર્ટ, સ્ટાર્ટઅપ ઝોન, વીઆર ગેમિંગનું અનોખું સ્ટેમ્પ પ્રદર્શન અને વાંચન માટે અનુકૂળ વાતાવરણના કારણે અનેક પરિવારોને અહીં લાંબા સમય સુધી સમય વિતાવવાનો આનંદ મળ્યો હતો.   આમ, આયોજકોએ કરેલી મહેનતને સ્મરણિય સફળતા મળતાં અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ને ‘જ્ઞાનનો મહાકુંભ’ તરીકે ઓળખ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.