Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય સ્વાગતમાં ૭૦થી વધુ નાગરિકો પોતાની સમસ્યાની રજૂઆત માટે આવ્યા

File

 જિલ્લા સ્વાગતની ૧૧૫૬ જેટલી રજૂઆતોની નિરાકરણ કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવામાં આવી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના ઉપયોગથી ઓનલાઈન જન ફરિયાદ નિવારણના કાર્યક્રમ ‘સ્વાગત’માં ગાંધીનગરમાં ઉપસ્થિત રહી જન ફરિયાદોના નિવારણનું માર્ગદર્શન આપ્યુ

ખેડૂતો સહિત લોકોની સમસ્યાઓ  રજૂઆતોની ઉંડાણપૂર્વક સમજ કેળવીને તથા સ્થળ મુલાકાત લઈને તાકિદે નિવારણ લાવવા મુખ્યમંત્રીશ્રીની અધિકારીઓને તાકિદ

તાલુકા અને જિલ્લા સ્વાગતના નિર્ણયોના સ્થાનિક કક્ષાએ અમલિકરણ અને સઘન મોનિટરીંગ માટે જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા નવેમ્બર માસના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણમાં આવેલી રજૂઆતો સંદર્ભમાં સંબંધિત અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેડૂતો સહિત લોકોની સમસ્યાઓ–રજૂઆતોની ઉંડાણપૂર્વક સમજ કેળવીને તથા સ્થળ મુલાકાત લઈને તેનું તાકિદે નિવારણ લાવવામાં આવે તે જરૂરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલો રાજ્ય સ્વાગત કાર્યક્રમ નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે સમસ્યાના નિવારણથી લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેના ઉદાહરણો નવેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ગુરૂવાર તા. ૨૦ નવેમ્બરે જોવા મળ્યા હતા.

આ રાજ્ય સ્વાગતમાં ૭૦થી વધુ નાગરિકો પોતાની સમસ્યાની રજૂઆત માટે આવ્યા હતા તેમાંથી ૪ જેટલા અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ સાંભળી હતી. આ ઉપરાંત બાકિની રજૂઆતો મુખ્યમંત્રીશ્રી જનસંપર્ક એકમના અધિકારીઓ દ્વારા સાંભળીને સંબંધિત વિભાગો તથા જિલ્લા સ્તરના અધિકારીઓને કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા નવેમ્બર માસના જિલ્લા સ્વાગતની ૧૧૫૬ જેટલી રજૂઆતોની નિરાકરણ કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવા માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક કક્ષાએ તાલુકા અને જિલ્લા સ્વાગતની રજૂઆતો અંગે લેવાયેલા નિર્ણયનું અમલીકરણ અને સઘન મોનિટરીંગ થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીઓને સુચના આપી હતી. એટલુ જ નહી, જે તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆતોની પડતર સંખ્યા વધુ છે તેવા જિલ્લાઓમાં રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

પોરબંદર જિલ્લાના બે ગામના ખેડૂતોએ સુખભાદર નદી પર પુલ બનાવવાની લાંબા સમયની પડતર માંગણી અંગે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરતાં તેમણે ખેડૂતો પ્રત્યે સંવેદના દર્શાવીને આ પુલ મંજૂર કરવા અંગે ત્વરિત કાર્યવાહીની સુચના માર્ગ મકાન સચિવને આપી હતી. પોરબંદરના જ એક રજૂઆત કર્તાને તેના પ્લોટનું નિયત ક્ષેત્રફળ સાથેનું પ્રોપર્ટી કાર્ડ તાત્કાલિક મળે તે માટેની જરૂરી સુચના મુખ્યમંત્રીશ્રીએ પોરબંદર કલેક્ટરને આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ધોલેરા તાલુકાના એક રજૂઆત કર્તાની ખેતીની જમીનમાં ધોલેરા એસ.આઈ.આરની અનામતની ક્ષતિથી સાત બારમાં થયેલી નોંધ દૂર કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરવા પણ અમદાવાદ જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે જાહેર કરેલી કૃષિ પેકેજ સહાય મેળવવામાં કોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ કાળજી રાખવા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને દિશાનિર્દેશ આપ્યા હતા.

નવેમ્બર-૨૦૨૫ના આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીશ્રીઓ શ્રી ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો – અધિકારીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.